શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયથી એક દુ:ખદ વાત સામે આવી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમના શનિવારના બપોરે 101 વર્ષની ઉંમરે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી મૂર્તિનાં સુખે સુખિયા પામ્યા છે. તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ 19 ડિસેમ્બરના રોજ એટલે રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગર ખાતે જ્યારે અંતિમ સંસ્કાર વિધિ બપોરના 2 વાગ્યે કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર યોજાશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સૌ પ્રથમ ઈ.સ. 1948 માં આફ્રિકા ગયા હતા. અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવાઓ આપી હતી. ત્યારે તેમની સાથે મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે દિવંગત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શારત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષનો માર્ગ દેખાડ્યો હતો. આ સિવાય તેમણે લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનનો મંત્ર બનાવ્યો હતો. આ કારણોસર આજે અનેક પરિવારોમાંથી નિરાશાઓ દૂર થયેલ છે. અનેક યુવાનોમાં સેવાના ધબકારા ઉઠ્યા છે. દેશ અને વિદેશમાં તેમના દ્વારા સ્થપાયેલા મંદિરોના કારણે ઘર-ઘરમાં સત્સંગ-સદાચારના અજવાળા થયા છે.
જ્યારે શ્રી અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે મળીને તેમના દ્વારા મણિનગરમાં આજથી ૩૫ વર્ષ પહેલા મંદિરના પાયા નાખવામાં આવ્યા હતા. તેની સાથે અનેક સત્સંગીઓ બનાવીને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને મંદિરો પણ સ્થાપ્યા છે. તેમ છતાં ધર્મમાં શિથિલતા આવ્યા બાદ ત્યાગી સંતોના નિયમ ધર્મની સાચવણી માટે તેમણે ઈ.સ. 1985 માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યું હતું.
હાલના સમયે આ સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજિક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમાં મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. તેની સાથે – સાથે દર રવિવારના સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા – પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ પણ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહી છે.