અમદાવાદમાં આડેધડ પાર્કિંગની સામે હાઇકોર્ટની લાલ આંખ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલા લેવાઇ રહ્યાં છે. પાર્કિંગમાં બનાવેલી દુકાનો, રેસ્ટોરન્ટ જે પણ છે તેને તોડવામાં આવી રહી છે. આ કામગીરીનો આજે બીજો દિવસ છે.
આજે હાટકેશ્વર રિંગ રોડ પર વધારાના બાંધકામો હટાવવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે બીજી તરફ નવા પશ્ચિમ ઝોનમાં સાલ હોસ્પિટલથી સત્તાધાર રોડ સુધીની ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હાટકેશ્વરમાં તોડફોડ
અમદાવાદના ધમધમતા હાટકેશ્વર રિંગ રોડના મોડલ ઉપરાંતનાં વધારાના બાંધકામો હટાવવામાં આવ્યાં છે. આજે સવારથી જ એએમસીએ એસ્ટેટ વિભાગના કાફલા અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામ શરૂ કર્યું છે. જોકે આ દબાણ હટાવવામાં વેપારીઓ અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘AMCનું કામ સરાહનીય છે પરંતુ કોઇપણ પ્રાયર નોટિસ આપવા વગર તેઓ આવું કઇ રીતે કરી શકે.’
સાલથી સત્તાઘાર દબાણ હટાવવામાં આવ્યું
નવા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે સાલ હોસ્પિટલથી સત્તાઘાર રોડ સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાટલોડિયાની પ્રખ્યાત સનસ્ટેપ ક્લબની બહાર આવેલું રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે તેની બાજુમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટની દિવાલ પણ તોડી નાંખવામાં આવી છે. એએમસીનું કહેવું છે કે આ રોડ પર વધારાના બાંધકામને કારણે પાર્કિંગની સમસ્યા વકરી રહી છે. આ દુકાનો અને રેસ્ટોરન્ટે પોતાનું પાર્કિંગ પણ બનાવવું જોઇએ. જેમાં વ્યવસ્થિત પાર્કિંગ થઇ શકે. આ અંગે વેપારીઓમાં પણ ઘણો વિરોધ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ આડેધડ પાર્કિંગ હટાવવાનું કામ કેટલું યોગ્ય ગણાવી શકાય. તેનાથી અમારા ધંધા રોજગાર પર અસર પડે છે.
લારી-ગલ્લાંવાળા કાઢી રેલી
પાથરણા અને લારી-ગલ્લાંવાળા કે જેમની એએમસી દ્વારા દુકાનો ગલ્લા કાલે તોડી પડાયા છે તે લોકો એ આજે એલિસબ્રિજથી કોર્પોરેશ સુધી રેલી કાઢી છે. ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ રેલી કાઢીને આવેદનપત્ર પણ આપશે. આ રેલીમાં સરકાર વિરોધી નારા બોલાઇ રહ્યાં છે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તેમાં લો ગાર્ડન ખાણીપીણી બજારના લોકો પણ જોડાયા છે. આ રેલીમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
અમને અમારા વિસ્તારમાં જગ્યા આપો
આ રેલીમાં જોડાયેલા વેપારીઓ રોષ વ્યક્ત કરતાં કહે છે કે, ‘આ સરકાર ગરીબોની નથી આ સરકાર અમીરોની છે. તેઓ નાના વેપારીઓને હેરાન કરી રહ્યાં છે. અમે વર્ષોથી એક જ જગ્યા પર કામ કરીએ છીએ અને અચાનક ત્યાં તોડફોડ કરવામાં આવી છે. અમારી સરકાર પાસે માંગ છે કે અમને અમારા વિસ્તારના એક કિલોમીટરમાં જગ્યા આપો.’
અન્ય એક વેપારીએ કહ્યું કે, ‘કાયદેસર જે પણ કંઇ ટેક્સ ભરવાનો હશે કે કંઇ ભાડુ આપવાનું હશે તે અમે આપવા તૈયાર છીએ. આ વેપારથી જ અમે પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ હવે કઇ રીતે પરિવારનું પુરૂં પાડીશું.’
ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા એએમસી વધારી શકે છે પાર્કિંગ ફી
AMC એ કાંકરિયા અને નવરંગપુરામાં બનાવેલા મલ્ટી લેવલ પાર્કિંગને જોઇએ તેવી સફળતા મળી નથી. શહેરના સીજી રોડ સહિત અન્ય જાહેર માર્ગો ઉપર ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે જેના કારણે હવે અમદાવાદ મ્યુનિ. ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે સુવિધાને મોંઘી કરવાનું વિચારી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિ. સી.જી. રોડ સહિત અન્ય સ્ટ્રીટ પાર્કિંગને મોંઘા કરવાનું વિચારી રહી છે. જેની અમલવારી સીજી રોડ ઉપર પ્રથમ થઇ શકે તેમ છે. મ્યુનિ.ના અધિકારીઓનો એવો અંદાજ છે કે, સ્ટ્રીટ પાર્કિંગ સસ્તુ હોવાથી વધુ વાહનો આવે છે જો મોંઘુ થશે તો સ્ટ્રીટ ઉપર કામ વિના પડયા રહેતા વાહનોની સંખ્યા ઘટશે જેથી ટ્રાફિક જામ પણ ઘટશે.