જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે બે જગ્યા પર એક જ કલાકમાં અથડામણ થઇ અને જેમાં બે આતંકીઓ ઠાર થયા છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ખૂંખાર આતંકવાદી સલીમ પારે સહિત બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદી સલીમ પારે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યો હતો. સલીમ જમ્મુ-કાશ્મીરમાં ઘણા નિર્દોષ નાગરિકોની હત્યામાં પણ સામેલ હતો.
કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. જેમાંથી એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો કુખ્યાત આતંકવાદી સલીમ પારેને શ્રીનગર પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નજીકના ગાસુ ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એક બીજી અથડામણ થઈ. જેમાં એક બીજો આતંકી પણ માર્યો ગયો હતો.
સલીમ પારે 2016થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તે 2018માં બશીર અહેમદ ડાર અને તેના ભાઈ ગુલામ હસન ડારની હત્યા સહિત ઘણા નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતો. તે હિલાલ અહેમદ પારેની હત્યાનો પણ આરોપી હતો. અધિકારીઓએ જણાવ્યું કે સલીમ પારે હાજીન વિસ્તારમાં અનેક નાગરિકોનું ગળું દબાવીને કરવામાં આવેલી હત્યામાં પણ સામેલ હતો.
તે આતંકવાદી હુમલા માટે આતંકવાદીઓને હથિયારો અને અન્ય પ્રકારની મદદ પૂરી પાડવાનું કામ પણ કરતો હતો. આ પાકિસ્તાની આતંકવાદી બાંદીપોરાના ગુલશન ચોકમાં બે પોલીસકર્મીઓની હત્યામાં પણ સામેલ હતો. આ હત્યાકાંડ પછી તે હરવાન ભાગી ગયો હતો. તે હાજિનમાં સીઆરપીએફના જવાનની હત્યામાં પણ વોન્ટેડ હતો.
નોંધનીય છે કે સુરક્ષા દળોએ આતંકવાદીઓની ટોપ ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરી છે અને તેમની પ્રથમ પ્રાથમિકતા ટોચના આતંકવાદીઓને મારવાની છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોના અભિયાનમાં આવા ઘણા ટોચના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.