જાણો લતા મંગેશકરની સફર યાત્રા, કેવી રીતે ઊભી કરી પોતાની આગવી ઓળખ!!!

સુર કોકિલા લતા મંગેશકરે 6 દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સુરોથી સજાવ્યો છે. લતા મંગેશકરે લગભગ 20 ભાષાઓમાં 30,000થી પણ વધારે ગીતો ગાયા છે. ભારત રત્નનો ખિતાબ ધરાવનાર ભારતના સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે જન્મ દિવસ છે. ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા લતા મંગેશકરનો જન્મ તારીખ 28 સપ્ટેમ્બર 1929 નારોજ મધ્ય પ્રદેશનાં ઇન્દોર શહેર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ દીનાનાથ મંગેશકર હતુ અને માતા સેવન્તી મંગેશકર. કદાચ તમે જાણતા નહી હોય પરંતુ લતાજીનાં પિતા મરાઠી હતા અને માતા ગુજરાતી.

લતા મંગેશકરનાં પિતા દીનાનાથ મંગેશકરે બે સગી ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા. લતા મંગેશકરનાં પિતાનાં લગ્ન 1922માં થલનેરનાં શેઠ હરિદાસ લાડની મોટી દીકરી નર્મદા સાથે થયા હતા. લગ્ન બાદ તેમનું નામ બદલીને શ્રીમતી કરવામાં આવ્યું હતુ. તેમને લતિકા નામની એક પુત્રી હતી જે નાનપણમાં જ ગુજરી ગઈ હતી. જો કે નર્મદાનું અકાળે અવસાન થતા દીનાનાથે 1927માં બીજા લગ્ન શેઠ હરિદાસની જ નાની દીકરી શેવંતી સાથે કર્યા હતા. હરિદાસ અને શેવંતીનું પહેલું સંતાન એટલે લતા મંગેશકર.

આજે ભલે લતાજી ઉંમરના આંકડાની ગણતરીએ 91 વર્ષનાં થઇ ગયા હોય. પરંતુ આજે પણ તેમના ગળામાંથી નીકળતા સુરની મોહિની એવીને એવી અકબંધ છે. એમના ગળાનું ગળપણ કોઈપણ નવીન યુવાન ગાયિકા કરતાં જરાય ઓછું નથી. લતા મંગેશકર પાસે સંગીત સાથે જોડાયેલ ભાગ્યે જ કોઈ એવો એવોર્ડ હશે જે એમની પાસે ન હોય. લતા મંગેશકરને ભારતનાં સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી પણ નવાઝવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે, લતા મંગેશકરે 1942થી સંગીતની આરાધના શરુ કરેલી એ હજુ પણ વણ થંભી ચાલુ છે એ એક મોટું આશ્ચર્ય છે. તેમને અને તેમની નાની બહેન આશા ભોંસલેએ બોલીવુડમાં પાર્શ્વ ગાયિકા તરીકે હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રે જે યોગદાન આપ્યુ છે અને જેટલી સંખ્યામાં ગીતો ગાયાં છે એ વિક્રમી છે. લતાજીએ ફિલ્મી ગીતો ઉપરાંત બીનફીલ્મી ગીતો પણ ઘણાં ગાયાં છે. પરંતુ તેમને ખ્યાતિ તો હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે જ મળી. ક્યારેય શાળાએ ન જનાર લતાજીએ પોતાની જિંદગીથી ઘણુ શીખ્યુ છે. પોતાના નાના ભાઇ-બહેનોને તેમને ક્યારેય પિતાની કમીનો અનુભવ થવા દીધો નથી. લતાજી અનુસાર તેમના પર સમગ્ર ઘરની જવાબદારી હતી માટે તેમને ક્યારેય લગ્ન કર્યા નહી.

તમને કદાચ જાણકારી નહી હોય લતા મંગેશકરે ગુજરાતી ગીતો પણ ઘણાં ગાયાં છે જેવાં કે, માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે…, હે કાનુડા તોરી ગોવાલણ…, દીકરી તો પારકી થાપણ કહેવાય…, વૈષ્ણવ જનતો ….જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયા વિગેરેનો સમાવેશ થાય છે.

Scroll to Top