રેસ્ટોરન્ટમાં સફાઈ કામદારથી લઈને ઉભું કર્યું દેશી મેકડોનાલ્ડ જેવું નેટવર્ક, ઢોસાને નેશનલ ડિશ બનાવવામાં મોટો ફાળો પણ એક વિવાહિત યુવતી પાછળ થઈ જેલ.
શુ તમે પ્રખ્યાત ઢોસા કિંગના જીવન વિશે જાણો છો ? આજે અમે તમને જણાવીશું
લગ્ન, હત્યા અને સજાઃ મસાલાથી ભરપૂર હતું ઢોસા કિંગનું જીવન
જો તમે દક્ષિણ ભારત એવું નામ સાંભળો કે પછી સાઉથ ઇન્ડિયન ડિશ તો તરત જ એક પિક્ચર સામે આવે તે છે ઢોસાનું. ઢોસા જો આજે ભારતના દક્ષિણથી નીકળીને નેશનલ ફૂડ બન્યા હોય તો તેની પાછળ કેટલોક શ્રેય પી. રાજગોપાલને પણ જાય છે.
સ્કૂલનો અભ્યાસ નાની ઉંમરમાં જ અધવચ્ચે છોડીને એક રેસ્ટોરન્ટમાં ક્લીનર તરીકે પોતાની કારકિર્દી શરુ કરનારા પી.રાજગોપાલે મેક ડોનાલ્ડ જેવી ચેન રેસ્ટોરન્ટને ભારતનો જવાબ આપ્યો પોતાના ઢોસા ચેન રેસ્ટોરન્ટ સર્વણા ભવનથી.
આજે ચેન્નઈથી લઈને અમેરિકાના મેનહટન સુધી તેમની રેસ્ટોરન્ટ અને દેશી ઢોસાનો ઓથેન્ટિક સ્વાદ ફેલાયો છે.
જોકે પી. રાજગોપાલનું જીવન પણ તેમના મસાલા ઢોંસાની જેમ મસાલાથી ભરપૂર હતું. ગુરુવારે પી. રાજગોપાલે ચેન્નઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે 72 વર્ષીય આ વૃદ્ધ એક હત્યાના ગુનામાં આજીવન કરાવાસની સજા કાપી રહ્યા હતા.
દેશ અને દુનિયામાં રેસ્ટોરન્ટ ધરાવતા રાજગોપાલ માટે એક વિવાહિત મહિલા પ્રત્યેની તેમની દિવાનગી તેમના વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવનમા પડતીનું કારણ બનીને આવી.
વાત 2001ની છે જ્યારે તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો જ્યારે રાજગોપાલે ત્રીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો.
તેઓ જે યુવતી સાથે લગ્ન કરવા માગતા હતા તે જીવનજ્યોતિ તેમના જ એક મેનેજરની દીકરી હતી અને પહેલાથી જ રાજકુમાર શાંતાકુમાર નામના વ્યક્તિ સાથે તેના લગ્ન થઈ ગયા હતા. પરંતુ કહેવાય છે.
કે વિનાશ કાળે વિપરિત બુદ્ધી તેમ કોઈપણ ભોગે જીવનજ્યોતિને પોતાની બનાવવા માગતા રાજગોપાલ કાળા જાદુનો સહારો પણ લેવા લાગ્યા.
તેમને જીવનજ્યોતિ પર કાળો જાદુ કરાવ્યો જેથી તે તેના પતિથી નફરત કરવા લાગે. જીવનજ્યોતિને પોતાના તરફ લચાવવા માટે મોંઘી ગીફ્ટ્સથી લઈને અનેક પ્રકારની લાંચ અને છેલ્લે ધમકી સુદ્ધા આપી હતી.
પરંતુ વિવાહિત યુવતીને પામવાના તેમના તમામ પ્રયાસમાં તેઓ હાર્યા ત્યારે હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે પોતાના કેટલાક કર્મચારીઓ સાથે મળીને શાંતાકુમારનો કાંટો કાઢી નાખવાનું
નક્કી કર્યું.
જેના ગુનામાં 2009માં કોર્ટે રાજગોપાલને આજીવન કારાવાસની સજા સંભળાવી. જોકે 18 જુલાઈ 2019 સુધી ઢોસા કિંગે એકપણ રાત જેલમાં પસાર કરી નથી.
આ વર્ષે માર્ચ મહિના દરમિયાન જ દેશની સુપ્રીમ કોર્ટે તેમની અપીલ અરજીને ફગાવી દેતા 7 જુલાઈ સુધીમાં તેમને આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો હતો.
જેથી રાજગોપાલે 8 જુલાઈના રોજ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા પોતાની બીમારીનું કારણ આગળ ધર્યું હતું અને આત્મસમર્પણના આદેશને પાછો ખેંચવા માટે અપીલ કરી હતી. જોકે ફરી એકવાર જસ્ટિસ એન.વી. રમનાની અધ્યક્ષતાવાળી
પીઠે તેમની અપીલને નકારી કાઢી હતી. અપીલ રદ થયા બાદ રાજગોપાલને 9 જુલાઈના રોજ સ્ટ્રેચર પર કોર્ટમાં લાવવામાં આવ્યા. જે બાદ આરોગ્યના આધારે તેમને અહીંથી જેલની જગ્યાએ સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા.
ફરી એકવાર રાજગોપાલના દીકરાએ હાઈકોર્ટમાં અપીલ કરી કી તેમના પિતાને સરકારી હોસ્પિટલની જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવે.
સરકારી હોસ્પિટલના ડોક્ટર યોગ્ય ઇલાજ ન કરતા હોવાનો દાવો તેમણે આ સાથે કર્યો હતો. જેથી તેમના પિતાનું આરોગ્ય વધુ ખરાબ થઈ રહ્યું છે. જેથી કોર્ટના આદેશ બાદ રાજગોપાલ વિજયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા અને આ જ હોસ્પિટલમાં ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધો.
રાજગોપાલ એક ખેડૂતના દીકરા હતા. ખૂબ નાની ઉંમરમાં પોતાના પૈતૃક ગામ પુન્નૈયદીને છોડીને ને ચેન્નઈ આવ્યા.
અહીં એક રેસ્ટોરન્ટમાં ક્લીનર તરીકે કામડ કર્યું. ત્યારબાદ પોતાા એક સગાની
દુકાન પર સહાયક તરીકે કામ કર્યું. બસ અહીંથી તેમણે વેપારમાં પોતાનું ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું. 70ના દાયકામાં તેમણે કિરાણાની એક નાનકડી દુકાન કરી અને પછી તેમાંથી ડિપાર્ટમેન્ટલ સ્ટોર બનાવ્યો.
ચાર વર્ષ પછી નાદર સમાજમાંથી આવતા રાજગોપાલે બ્રાહ્મણો માટે ખાસ પોતાનું શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ શરું કર્યું. સર્વણાનું પહેલું આઉટલેટ 1981મૈં ચેન્નઈના કે.કે.નગરમાં ખુલ્યું. આજે ભારતમાં તેની 27 જેટલી બ્રાન્ચ છે.
જેમાંથી 20 તો એકલા ચેન્નઈમાં જ છે. આ ઉપરાંત અમેરિકા, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયા સહિત 23 દેશોમાં સર્વણાના આઉટલેટ છે અને અહીં રહેતા ભારતીયોને શુદ્ધ ઘર જેવું દેશી ભોજન પીરસે છે.
સ્પર્ધાત્મકતા અને રાજગોપાલ સામેના આરોપ સાબિત થવાથી સર્વણાની ચમક ભલે ઓછી થઈ હોય પરંતુ આજે પણ તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે રાજગોપાલ અન્નચી(મોટાભાઈ) છે. 37થી વધુ વર્ષ સુધી રાજગોપાલ સાથે કામ કરવાવાળા જી.સેલ્વરાજે કહ્યું કે અન્નાચીનું સૌથી મોટું યોગદાન તમામ આઉટલેટમાં ભોજનનો એક સરખો ટેસ્ટ છે. અમે જે પગાર મળતો હતો તે હંમેશા માર્કેટમાં અન્ય જગ્યાએ મળે તેના કરતા વધારે હતો. તેઓ અમને રહેવાનું ભાડું, બાળકોના અભ્યાસ માટે શિક્ષણ ભથ્થું અને દવાદારુ માટે આરોગ્ય ભથ્થું આપતા હતા.