શું આજે રાત્રે રશિયા ખાર્કિવને કરી દેશે ખાખ? ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક શહેર છોડવા કહ્યું

રશિયા યુક્રેન યુદ્ધનો આજે સાતમો દિવસ છે અને આ દરમિયાન બંને દેશોમાં ઘર્ષણ છે આ દરમિયાન રશિયાએ પોતાની જંગી સેના યુક્રેન પર આક્રમણ કરવા માટે ખડકી દીધી છે. ત્યાં જ રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેમાં પરમાણુ શસ્ત્રો સામેલ થશે અને તે ખુબ જ વિનાશક હશે. રશિયન સમાચાર એજન્સીએ લાવરોવને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રશિયાના વિદેશ પ્રધાન લાવરોવે કહ્યું હતું કે જો કિવને કોઇ દેશ પરમાણુ હથિયાર પ્રાપ્ત કરવામાં મદદ કરશે તો તેમના દેશને “ખરેખરનો ખતરો” નો સામનો કરવો પડશે.

ત્યાં જ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઇ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. ભારતે યુક્રેનના ખાર્કિવમાં હાજર તમામ ભારતીયોને ભારે તોપમારો વચ્ચે શહેર છોડી દેવાની સલાહ આપી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે “ખાર્કીવમાં હાજર તમામ ભારતીયોને પોતાની સુરક્ષા માટે તરત જ ખાર્કીવ છોડી દેવાની તાત્કાલિક ચેતવણી આપવામાં આવે છે.

ભારતીય દુતાવાસે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ખાર્કિવ છોડી શક્ય હોય તેટલી ઝડપે પેસોચિન, બાબાયે અને બેઝલ્યુડોવકા તરફ આગળ વધવા જણાવ્યું છે. દૂતાવાસ વતી કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં તેઓએ યુક્રેનના સમય મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં શહેર છોડવું પડશે.

તમને જણાવી દઈએ કે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. મંગળવારે ખાર્કીવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારપછી યુક્રેનમાં ભારતીય દૂતાવાસ વધુ સતર્ક બની ગયું છે. ખાર્કિવમાં રશિયા તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. આ દરમિયાન ખાર્કિવમાં સ્થિતિ ખુબ જ ભયાનક બને તેવા અહેવાલ પણ છે. ત્યાં જ આજે રાત્રે રશિયા ખાર્કિવ પર પુરજોશમાં હુમલો કરી શકે છે. રશિયા હવે આ યુદ્ધમાં પોતાના અત્યાધુનિક શસ્ત્રોનો ઉપીયોગ કરવાથી પીછે હઠ નહીં કરે તેવું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

આ હુમલાને કારણે ખાર્કિવના રહેવાસીઓ ડરી ગયા છે. ક્ષતિગ્રસ્ત પાંચ માળની ઇમારતનો કાટમાળ બાજુની શેરીઓમાં વિખરાયેલો જોવા મળ્યો હતો. યુક્રેન સરકારના વ્યૂહાત્મક સંચાર કેન્દ્રે બુધવારે ખાર્કિવમાં થયેલા હુમલાના ફોટા જાહેર કર્યા હતા.

યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે ‘ઓપરેશન ગંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભારતીયોને હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી યુક્રેન છોડ્યા બાદ જમીની સરહદ ચોકીઓ દ્વારા હવાઈ માર્ગે વતન લાવવામાં આવી રહ્યા છે.

Scroll to Top