એલિયન્સ વિશે દરરોજ અજીબોગરીબ સમાચાર આવતા રહે છે. આ એલિયન જીવ વિશે અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે. વિશ્વમાં ઘણા લોકોએ એલિયન્સ જોયા હોવાનો દાવો કર્યો છે. ક્યારેક આવા દાવા કરવામાં આવે છે, જેના વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બ્રહ્માંડમાં એલિયન્સનું અસ્તિત્વ છે!જો કે, કોઈની પાસે આનો કોઈ પુરાવો નથી.
વિજ્ઞાનીઓ વર્ષોથી એલિયન્સના અસ્તિત્વ વિશે સંશોધન કરી રહ્યા છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આમ છતાં એલિયન્સ વિશે સમયાંતરે ચોંકાવનારા દાવા કરવામાં આવે છે. ઈન્ટરનેટ પર ઘણી વખત આવા વીડિયો જોવા મળે છે, જે UFO હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે કેટલાક લોકો આ સાથે સહમત નથી અને વીડિયોને એડિટ કરેલ ગણાવે છે. હવે આ દરમિયાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે કેટલા વર્ષોમાં એલિયન્સ મળી જશે.
જીવનની શોધમાં મંગળ પર ઘણા પ્રોબ, રોવર, લેન્ડર્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી જીવન શોધવામાં કોઈ સફળતા મળી નથી. જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેઓ ખૂબ જ જલ્દી સૌરમંડળની બહાર જીવન શોધી શકશે. તેમનું કહેવું છે કે 25 વર્ષમાં આપણને બીજા ગ્રહ પર જીવન મળશે. તેમનું કહેવું છે કે સાથે જ તેમનો સંપર્ક કરવા માટે ટેક્નોલોજી બનાવવામાં પણ સફળતા મળશે.
વૈજ્ઞાનિકોનો આ દાવો ચોંકાવનારો છે, પરંતુ જો આવું થશે તો 25 વર્ષમાં એલિયન્સ મળી જશે. આ દાવો કરનાર વૈજ્ઞાનિકનું નામ સાશા ક્વાંઝ છે, જે ફેડરલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, ETH ઝ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડના એસ્ટ્રોફિઝિસિસ્ટ છે.તેમણે યુનિવર્સિટીના ઓરિજિન એન્ડ પ્રિવલેન્સ ઓફ લાઇફના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સમયની ટેકનોલોજીએ બતાવ્યું છે કે બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ જીવન નથી. તેઓ કહે છે કે અન્ય ગ્રહો પર પણ જીવન હોઈ શકે છે. અમારે ફક્ત તેમને શોધવા અને સંપર્ક કરવાની જરૂર છે.
એસ્ટ્રોફિઝિસિસ્ટ સાશા ક્વાંઝે જણાવ્યું હતું કે 1995માં નોબેલ પુરસ્કાર વિજેતા ડિડીઅર ક્વેલોઝે સૌરમંડળની બહારનો પહેલો ગ્રહ શોધી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે હાલમાં સૌરમંડળની બહાર પાંચ હજારથી વધુ ગ્રહોની શોધ થઈ છે. આ સિવાય ગ્રહો એટલે કે એક્સોપ્લેનેટ દરરોજ શોધવામાં આવી રહ્યા છે. હજુ ઘણા એક્સોપ્લેનેટ શોધવાના બાકી છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપણી આકાશગંગામાં 10 હજાર કરોડ તારા છે. સૌથી મહત્વની વાત એ છે કે દરેક તારાનો સાથી ગ્રહ પણ હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સૌરમંડળની બહાર અસંખ્ય એક્સોપ્લેનેટ છે.