ભચાઉ, ભીમાસર, રાપર અને સામખિયાળીનો હવાલો જેને સોંપાયેલા છે તેવા એક ભચાઉ પીજીવીસીએલના અધિકારી પીજીવીસીએલની કચેરીમાં જ વિદેશી દારૂની મહેફીલ માણતા સીસીટીવીમાં આબાદ ઝડપાઇ ગયા છે. ભચાઉ પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.વાય. રાવ અને એકાઉન્ટનું કામ સંભાળતા એક અન્ય કર્મચારી વિદેશી દારૂથી ટુન્ન અને પીજીવીસીએલના એક કોન્ટ્રાક્ટર રૂકેશ ધરમશી પટેલ મોંઘાભાવની અંગ્રેજી દારૂની બોટલ આ ‘સાહેબો’ની સેવામાં હાજર કરતા આ સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે. કોન્ટ્રાક્ટર દારૂનો માલ આપવા માટે ચેમ્બરમાં આવેલો ફૂટેજમાં દેખાય છે. અન્ય બીજા કર્મચારીઓ પણ બાજુના રૂમોમાં શું નહીં કરતા હોય તે સવાલ છે.
એકાઉન્ટ જેવાં જવાબદાર ખાતાં સભાળતા કર્મચારીઓ જો નશામાં ટુન્ન
ભચાઉ તાલુકો અને તેના ઔદ્યોગિક વિસ્તારમાં લાખોની વીજચોરી થાય છે, પકડાતી નથી. કડોલ જેવા મીઠાના બોગસ કારખાનાઓમાં થ્રીફેઝ જોડાણો અને ટીસી અને એલટી લાઇનો બારોબાર લાગી જાય છે તેની પાછળનું રહસ્ય કદાચ આ જ હશે કે કોન્ટ્રાક્ટર રૂકેશ પટેલ અને એકાઉન્ટ જેવાં જવાબદાર ખાતાં સભાળતા કર્મચારીઓ જો નશામાં ટુન્ન રહેતા હોય તો તેમના આ ‘યારાના’એ અન્ય કેટલાં કૌભાંડોને અંજામ નહીં આપ્યો હોય તે વિચારવું રહ્યું.
સરકારી કચેરીમાં બેસી બિન્દાસ મહેફીલ માણતા આ અધિકારીઓ
આ અધિકારી જે.વાય. રાવ ગાંધીધામમાં પોતાની આવી કુટેવને લીધે-એક સ્થાનિક મહિલા રાજકારણીને લીધે જામનગર બદલી થયા હતા, પરંતુ કચ્છમાં ‘મલાઇ’ ભાળી ગયેલા હોવાથી ભાજપના જ એક રાજકીય આગેવાનની ભલામણથી ભચાઉમાં તેમને મોટું પદ મળી ગયું છે. સરકારી કચેરીમાં બેસી બિન્દાસ મહેફીલ માણતા આ અધિકારીઓ સામે તંત્ર લાલ આંખ કરે તેવી લોકોમાં ઉગ્ર ચર્ચા છે.