લોકરક્ષક ભરતીનું પેપર લીક, સરકારના વાંકે 9 લાખ પરીક્ષાર્થીઓ બેહાલ

સરકારના દાવા પોકળ, એક્ઝામ પહેલા જ જવાબ સાથે પેપર લીક

અમદાવાદઃ ગુજરાત સરકાર માટે બનેલી વધુ એક શરમજનક ઘટનામાં રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રવિવારે લેવાઈ રહેલી લોકરક્ષકની 9,713 બેઠકો માટેની લેખીત પરીક્ષાનું પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ છે. જોકે આજે જ પરીક્ષા હોવાથી અનેક વિદ્યાર્થીઓ જુદા જુદા ગામમાં આવેલ પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે વહેલી સવારથી નીકળ્યા હતા પરંતુ સરકારી તંત્રની નાકામીના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સરકારના વાંકે લાખો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન

રાજ્યભરમાંથી 8,76,356 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અણઘડ વહીવટના કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. સરકારી બેદરકારીનો બીજો નમૂનો પરીક્ષા કેન્દ્રોની બહાર જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાય કેન્દ્રો એવા છે જ્યાં આ પરીક્ષા રદ થઈ હોવાની કોઈ સૂચના મળી નથી. તો કેટલીક જગ્યાએ કેન્દ્રોને જાણ છે પણ વિદ્યાર્થીઓને આ અંગે ન હોવાના કારણે સ્થાનિક સ્તરે ઘર્ષણ પણ સર્જાયું હતું.

સવારથી ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણ પણ ન કરાઈ

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે પરીક્ષા પેપર ફૂટી ગયું હોવા સાથે પરીક્ષા રદ કરવા અંગેની જાહેરાત કરતાં કહ્યું કે, આગામી એક જ મહિનામાં ફરી પરીક્ષા લેવાશે. પાલનપુરમાં પેપર ફૂટતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સ્વરૂપ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે સરકાર વતી પરીક્ષાર્થીઓની માફી માગી હતી. પરંતુ વહેલી સવારથી પરીક્ષા દેવા માટે પોતાના સેન્ટર પર પહોંચેલા ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો.

એક પછી એક પરીક્ષાના પેપર ફૂટતા સરકારની નીયત સામે સવાલ

પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને કહેવું હતું કે જો સરકાર ખૂબ ગુપ્તતા સાથે આ પેપર સેટ કરતી હોય અને પારદર્શિતાની વાતો કરતી હોય તો આટલી બધી સુરક્ષા વચ્ચેથી પેપર કઈ રીતે ફૂટી જઈ શકે. કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા અંગે સરકારની દાનત પર પણ સવાલ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમજ જો પરીક્ષાર્થીઓને તેમના જ જિલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવે તો બહારગામ જવાની હાલાકી પણ દૂર થાય.

કોઈ ઉધારના પૈસા લઈ, કોઈ ખેતરમાં પાણી છોડી પરીક્ષા આપવા ગયા, તેમનો શું વાંક?

કોઈ ખેડૂતનો દિકરો પોતાના ખેતરમાં પાકને પાણી પિવડાવ્યા વગર પરીક્ષા આપવા ગયો હતો. કોઈ ગરીબ મજુરનો દિકરો ભાડા માટે ઉધારના પૈસા પૈસા લઈને પરીક્ષા આપવા માટે ગયો હતો. તેમનો શું વાંક. કોઈને 300થી તો કોઈને 200 કિલોમીટર દુર નંબર આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ ભાડા ભરીને હોટલમાં રહીને પરીક્ષા આપવા માટે ગયા હતા. એક વિદ્યાર્થી પાછળ ઓછામાં ઓછા 1000 રુપિયાનો ખર્ચ ગણો તો પણ 8.6 લાખ વિદ્યાર્થીઓ પાછળ કેટલો ખર્ચ થાય. આ વિદ્યાર્થીઓનો પૈસા કોણ ચુકવશે? હવે મહિના પછી ફરી પરીક્ષા ત્યારે ગરીબ મજુરનો છોકરો ફરી પૈસા ક્યાંથી લાવશે? પરીક્ષા રદ થતા ઘણા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. તેમનો એક જ સવાલ હતો કે અમારો શું વાંક.

ઉમેદવારોને જાણ પણ ન કરાઈ

આ બધામાં પણ સૌથી ખરાબ વાત એ છે કે પરીક્ષા મોકુફ રહી છે તેની જાણ તો ઉમેદવારોને કરવામાં પણ આવી ન હતી. પરીક્ષા દરમિયાન પાલનપુરમાં વિવાદ થતા થતા જાહેરાત કરી દેવાઈ હતી કે પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. બીજી તરફ ઘણા સેન્ટરોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો. સેન્ટરવાળા પણ મુશ્કેલીમાં મુકાયા હતા કે પરીક્ષા રદ થઈ છે કે નહીં. ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા પરીક્ષા રદ થઈ છે તેની જાણકારી મળી હતી.

ઉલ્લેખનીય છે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે રાજ્યના 29 શહેરોમાં 9713 બેઠકો માટે હથિયારધારી- બિન હથિયારધારી લોકરક્ષકની અને જેલ સિપાઇની પરીક્ષા લેવાની હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top