વડોદરામાં લવ મેરેજનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને લવમેરેજ કરવા મોંઘા પડ્યા છે. વડોદરા શહેરમાં લવ મેરેજ કર્યાં બાદ નિરાશ પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, સાસરીયાઓની પિયરમાંથી મકાનની લોન ભરવા માટે નાણાંની માગ પૂરી ન કરતા પતિ અંગતપળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રહ્યો હતો. આ સિવાય ‘તું અહીંથી જતી રહે નહીં તો તારા ઉપર એસિડ ફેકીશ’ તેવી ધમકી જેઠ આપી રહ્યા હતા. લવ મેરેજ બાદ સાસરીયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું દીધી હતું.
વડોદરાના ન્યુ વીઆઇપી રોડની 28 વર્ષિય યુવતીએ વાઘોડિયા રોડ ઉપર ચિમનલાલ પાર્કમાં રહેનાર રાકેશ કનુભાઇ મિસ્ત્રી સાથે વર્ષ 2018માં પ્રેમ લગ્ન કર્યાં હતા. તે દરમિયાન આંખોમાં સોનેરી સપના સાથે સાંસારીક જીવનની શરૂઆત પણ કરી હતી. તેમ છતાં લગ્નના થોડા જ સમયમાં યુવતીના સપના દહેજના ભૂખ્યા મિસ્ત્રી પરિવારે તોડી નાખ્યા હતા. પ્રેમ લગ્ન કરીને આવેલી યુવતીએ સાસારીક જીવન બરબાદ ન થાય તે માટે ત્રાસ પણ સહન કરતી હતી. પરંતુ તેમ છતાં પતિ સહિત સાસરીયાઓએ ત્રાસ આપવામાં વધારી દીધું તો અંતે તે પોલીસ સ્ટેશનના પહોંચી ગઈ હતી.
આ બાબતમાં યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે, પ્રેમ લગ્ન બાદ પતિ લગ્ન રજીસ્ટર કરાવતો નહોતો અને જેઠ લગ્ન રજીસ્ટર કરવા માટે મકાનની બાકી લોનના હપ્તાની રકમ પિયરમાંથી લઇ આવવાનું દબાણ કરી રહ્યા હતા.
આ દરમિયાન આઠ મહિના અગાઉ પત્નીએ લગ્ન રજીસ્ટર માટેની વાતચીત કરતા પતિએ કહ્યું હતું કે, ‘ઘરની લોન ભરપાઈ કરવા માટે પિયરમાંથી રૂપિયા લઇને આવ ત્યાર બાદ જ હું લગ્ન રજીસ્ટર કરાવીશ. લોનના રૂપિયા ભર્યા બાદ જ આ મકાનમાં રહેવાનું તેવું જેઠ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી સાસરીયાએ પરિણીતાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, પતિએ પત્નીને કહ્યું હતું કે, તારો અંગત પળોનો વીડિયો વાઇરલ કરી નાખીશ. તેમજ જેઠ એસિડ ફેંકવાની પણ ધમકી આપતા હતા. પતિ અને સાસરીયાના ત્રાસથી હેરાન થઈને પરિણીતાએ પાણીગેટ પોલીસ મથકમાં પતિ, જેઠ સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.