છત્તીસગઢના બસ્તરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રેમી યુગલને પહેલા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, પછી અર્ધ નગ્ન કરીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા. આ ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ તેના પતિને તેની પ્રેમિકા સાથે વાંધાજનક સ્થિતિમાં પકડ્યો હતો. આ પછી તેણે ગ્રામજનો સાથે મળીને તેના પતિ અને પ્રેમિકાને આવો પાઠ ભણાવ્યો છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે પીડિતની પત્ની સહિત 3 લોકોની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, ઉરંડાબેરા પોલીસ સ્ટેશન વિસ્તારના બડગઈ ગામમાં રહેતા એક વ્યક્તિના તે જ ગામની એક યુવતી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. તેની પત્નીએ તેને તેની ગર્લફ્રેન્ડ સાથે વાંધાજનક સ્થિતિમાં રંગે હાથે પકડ્યો હતો. આ પછી મહિલાએ પહેલા ગામલોકોને ભેગા કર્યા અને ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. ત્યારબાદ ગ્રામજનોએ પ્રેમી યુગલને ઘરની બહાર લઈ ગયા, તેમને અર્ધા નગ્ન કરી બાંધ્યા અને પગપાળા આખા ગામમાં ફેરવ્યા હતા. આ દરમિયાન યુવતી ચીસો પાડતી રહી અને રડતી રહી અને પોતાને છોડાવવાની વિનંતી કરતી રહી.
વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને ગામમાં પહોંચી ગઈ. તપાસ પછી પોલીસે પીડિતાની પત્ની સાથે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. કલમ 354, 354ખ, 50બ અને 509બ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધિક્ષક દિવ્યાંગ પટેલે જણાવ્યું કે આ ઘટના 12 જૂન (શનિવાર)ના રોજ બની હતી. માહિતી મળતાની સાથે જ એક ટીમ બનાવીને ગામમાં મોકલવામાં આવી હતી. તપાસ બાદ પોલીસને ખબર પડી કે પીડિતના ગામની મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. પ્રેમી યુગલ સાથે ગ્રામજનોએ આવું અમાનવીય વર્તન કર્યું હતું. જેથી તેમને સજા મળે. પોલીસે પત્ની અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે.