PUBG માટે 16 વર્ષના દીકરાએ માતાની હત્યા કરી નાંખી, પછી મિત્રોને બોલાવીને પાર્ટી કરી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પુત્રએ માતાની હત્યા કરી નાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે સગીર પુત્રને PUBG ગેમ રમવાની લત હતી અને તેની માતા તેને રોકતી હતી, જેથી પુત્રને એટલી હદે ઉશ્કેરાય ગયો હતો કે મધરાતે તેણે માતાના માથા પર ગોળી મારી દીધી હતી. સાંભળીને વિશ્વાસ નથી થતો, પરંતુ લખનૌ પોલીસ કહી રહી છે કે આ સત્ય છે.

લખનૌના પીજીઆઈ વિસ્તારમાં 16 વર્ષના પુત્રએ તેની માતાને પિસ્તોલથી માથામાં ગોળી મારી અને કહ્યું, ‘બસ થઈ ગયું… હવે નહીં…’ હત્યા બાદ તેણે તેના બે મિત્રોને પાર્ટીમાં બોલાવ્યા હતા. ઈંડાની કરી ઓનલાઈન મંગાવી અને મિત્રોને ખવડાવી હતી. એ પછી ફુકરે ફિલ્મ જોઈ હતી. જ્યારે મિત્રોએ પૂછ્યું કે આંટી ક્યાં છે? તો તેણે કહ્યું – કાકીના ઘરે.

ખરેખરમાં એવો આરોપ છે કે લખનૌની યમુનાપુરમ કોલોનીમાં ગેમિંગની લતએ એક પુત્રને તેની માતાનો હત્યારો બનાવ્યો હતો. આરોપી સગીરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેની માતા તેને પબજી ગેમ રમવાથી રોકતી હતી, જેનાથી ગુસ્સે થઈને તેણે રવિવારે મધરાતે પિતાની લાયસન્સવાળી પિસ્તોલ વડે માતાના માથા પર ગોળી મારી દીધી હતી.

માતાના મૃત્યુ બાદ તેણે લાશને રૂમમાં બંધ કરી દીધી હતી અને નાની બહેનને ધમકી આપીને અન્ય રૂમમાં બંધ કરી દીધી હતી. આખા બે દિવસ સુધી તે તેની માતાની લાશ સાથે આ ઘરમાં બંધ રહ્યો હતો. જ્યારે મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે આરોપી પુત્રએ તેને છુપાવવા માટે ઘરમાં રૂમ ફ્રેશનર છાંટ્યું હતું. આમ છતાં મૃતદેહની દુર્ગંધ પડોશીઓ સુધી પહોંચી હતી.

પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી ત્યારબાદ મામલો સામે આવ્યો હતો. છોકરાના પિતા આર્મીમાં છે અને બંગાળમાં પોસ્ટેડ છે. આ ઘરમાં માતા અને બંને બાળકો એકલા રહેતા હતા. પિતાએ લાયસન્સવાળી રિવોલ્વર ઘરમાં મૂકી દીધી હતી. હસતા રમતા સગીર પુત્રના હાથમાં રહેલી પિસ્તોલએ ઘર બરબાદ કરી નાખ્યું છે.

Scroll to Top