લંડનથી ચોરાયેલી લક્ઝરી ‘બેન્ટલી મુલ્સેન’ કાર પાકિસ્તાનમાંથી મળી, જેની કિંમત રૂ. 6 કરોડ છે

ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં એક પછી એક રસપ્રદ કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરનો મામલો કરાચી શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં યુકેની રાજધાની લંડનમાંથી ચોરાયેલી લક્ઝરી ‘બેન્ટલી મુલ્સેન’ સેડાન કાર અહીંથી મળી આવી છે.

પાકિસ્તાનના કસ્ટમ અધિકારીઓએ કરાચીના એક આલીશાન બંગલામાં દરોડા પાડીને આ લક્ઝરી કાર જપ્ત કરી છે. બ્રિટિશ નેશનલ ક્રાઈમ એજન્સીએ કરાચીમાં ચોરાયેલી કાર અંગે પાકિસ્તાની અધિકારીઓને માહિતી આપી હતી.

લંડનથી મળેલી ફરિયાદ બાદ પાકિસ્તાની સત્તાવાળાઓ સક્રિય થયા હતા અને દરોડા પાડીને કાર જપ્ત કરી હતી. આ કાર થોડા અઠવાડિયા પહેલા લંડનમાંથી ચોરાઈ હતી. આ ઘટનામાં સંડોવાયેલા રેકેટે કારની ચોરી કરીને પાકિસ્તાનમાં નિકાસ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ આ કામ માટે પૂર્વ યુરોપના એક દેશના ટોચના રાજદ્વારીઓના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદ તે રાજદ્વારીને તેના દેશમાં પરત બોલાવવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.

ચોરાયેલી કારની કિંમત બજારમાં 3 લાખ યુએસ ડોલર (USD) અથવા 60 મિલિયન પાકિસ્તાની રૂપિયા છે. આ બેન્ટલી કંપનીના સૌથી મોંઘા વાહનોમાંથી એક છે.

પાકિસ્તાની અધિકારીઓએ જે ઘરમાંથી કાર મળી આવી છે ત્યાંથી તેના માલિકને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન જ્યારે તેની પાસે કારના દસ્તાવેજો માંગવામાં આવ્યા તો તે આપી શક્યા નહીં. આ ઉપરાંત વાહનનો વેપાર કરતા દલાલ પાસેથી પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનના કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર કારનું રજીસ્ટ્રેશન પણ નકલી છે. આ કારને ગેરકાયદેસર રીતે કરાચી લાવવામાં આવી હતી, જેના કારણે પાકિસ્તાન સરકારને 30 કરોડ રૂપિયાનું ટેક્સનું નુકસાન થયું છે. અધિકારીઓનું કહેવું છે કે મુખ્ય આરોપી હજુ સુધી મળ્યો નથી, તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Scroll to Top