મા કાર્ડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય: હવે પરિવારમાં દરેક વ્યકિતદીઠ આપશે કાર્ડ

પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્માન યોજનાને હવે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. ચોથા વર્ષમાં પ્રવેશ પ્રસંદે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં ‘આપ કે દ્વાર આયુષ્માન’ મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 100 દિવસ ચાલનારી આ મેગા-ડ્રાઈવ હેઠળ 80 લાખ પરિવારને એટલે કે અંદાજિત 4 કરોડ લોકોને આવરી લેવામાં આવશે.

જ્યારે હવેથી 4 લાખની આવક મર્યાદા ધરાવનાર પરિવારને આ કાર્ડ કાઢી અપાશે. આ અગાઉ પરિવાર દીઠ કાર્ડ અપાતું હતું અને હવે વ્યક્તિ દીઠ આપવાની યોજના છે. આ ડ્રાઈવ હેઠળ નિયત માપદંડો ધરાવનાર લાભાર્થીઓને જિલ્લા હોસ્પિટલ, સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સીએચસી સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સીએસસી, કોડ સેન્ટર, UTI-ITSL, E-gram પરથી PMJAY-MA કાર્ડ કાઢી અપાશે.

તેની સાથે સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ માટે રિસ્પોન્સ ટાઈમ ઝડપી બને, દર્દીને તરત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. PMJAY-MA યોજનાના લાભાર્થીઓના હિતાર્થમાં સરકારી હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર વ્યવસ્થાપનનું પણ મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સરકારી હોસ્પિટલોમાં PMJAY-MA કાર્ડ હેઠળ સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉભી કરાશે. જ્યારે હોસ્પિટલના પ્રવેશદ્વાર, ઓપીડીમાં કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાતપણે કાર્યરત કરીને દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર તરત જ નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થીઓ માટે અલગ કેસબારી, અલગ રજિસ્ટ્રેશન સિસ્ટમ અપાશે.

લાભાર્થીઓના હોસ્પિટલમાં પ્રવેશથી સારવાર બાબતે PMJAY-MA યોજનાને પ્રાથમિકતા અપાઈ, વધુ લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે તે માટે આરોગ્ય મિત્રની નિમણૂકતા કરવામાં આવશે. આ કાર્ડ અંતર્ગત લાભાર્થીઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ, દવાની બારી અથવા લેબોરેટરી તથા અન્ય જગ્યાઓએ પણ તાત્કાલિક સેવા મળી રહે તેવી અલગ વ્યવસ્થા કરાશે.

Scroll to Top