રાયગઢ જિલ્લામાં દરિયા કિનારા પર ત્રણ જુદા જુદા સ્થળોએ આઠ મૃતદેહો મળી આવ્યાં છે, આ સમાચાર મળતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. પોલીસને આશંકા છે કે આ બાર્જ પી-305 ના ભોગ બનેલા લોકોના મૃતદેહ હોઈ શકે છે, જે ચક્રવાત તાઉતેના કારણે મુંબઈના કાંઠેથી 175 કિલોમીટર દૂર દરિયામાં ડૂબી ગયું હતું.
રાયગઢ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, શનિવારે મળેલા આઠ મૃતદેહોમાંથી પાંચ મૃતદેહ મંડવા કિનારે તરીને આવ્યા, બે અલીબાગમાં અને એક મૃતદેહ મુરુદમાં મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે હજુ સુધી મૃતદેહોની ઓળખ કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રશાસન અને રાજ્ય પોલીસના વરિષ્ઠ અધિકારીઓને મૃતદેહો અંગે માહિતી આપવામાં આવી છે
બાર્જ પી 305: મૃતકોની સંખ્યા 66 પર પહોંચી નૌકાદળના એક પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે, બાર્જ પી-305 તાઊતે વાવાઝોડા દરમિયાન દરિયાના મોજાઓના કારણે ગયા સોમવારે ડૂબી ગયું હતું. અને શનિવારે દરિયાકિનારે જોવા મળ્યું હતું. નૌસેનાએ જણાવ્યું હતું કે, શનિવારે વધુ છ લોકોના મૃતદેહો મળી આવ્યા બાદ આ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 66 થઈ ગઈ, જ્યારે નવ કર્મચારી હજુ પણ લાપતા છે. તેમણે કહ્યું હતું કે ઘટના સમયે બાર્જ પી-305 પર 261 કર્મચારીઓ સવાર હતા, જેમાંથી 186 કર્મચારીને બચાવવામાં આવ્યા છે.
બાર્જ પી-305 પર સરકારી તેલ અને ગેસ કંપની ઓએનજીસીના એક અપતટીય ઓઇલ ડ્રિલિંગ પ્લેટફોર્મની જાળવણીના કામમાં લાગેલ કર્મચારી હતા. તે સમયે બાર્જ ગુજરાત જતી વખતે ભારે પવન અને ઊંચા દરિયાઇ મોજાના કારણે મુંબઈ કિનારા પાસે સોમવારે સાંજે ડૂબી ગયું હતું.
બાર્જ પી-305 ના નવ ગુમ થયેલા જવાનો ઉપરાંત નૌકાદળ અને કોસ્ટગાર્ડ વરપ્રદાના તે 11 લોકોને પણ શોધી રહ્યા છે, જે ચક્રવાત બાદ લાપતા થઇ ગયા હતા. વરપ્રદા પાર સવાર 13 લોકોમાંથી 2 ને બચાવી લેવામાં આવ્યા હતા. શનિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં અરબ સાગરના કિનારેથી 4 મૃતદેહ મળી આવ્યા હતા.
જીવનરક્ષક જેકેટ અને યુનિફોર્મના કારણે પી-305ના પીડિત હોવાની આશંકા વલસાડના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ચાર મૃતદેહો પર લાઇફ જેકેટ્સ અને યુનિફોર્મ જોતા એવું લાગી રહ્યું છે કે, બધા તે બાર્જ પી-305ના જ સભ્યો હતા, જે મુંબઈ કિનારા પર ડૂબી ગયા હતા. નૌસેનાએ બચાવ કામગીરી વધુ તીવ્ર કરવા માટે વિશિષ્ટ તરવૈયા દળોને તૈનાત કર્યા છે.