મરાઠા સમાજ માટે મહારાષ્ટ્ર કેબિનેટે અનામત મામલે મહત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રીમંડળે પછાત આયોગની ભલામણનો સ્વિકાર કરી લીધો છે. મરાઠા સમાજને SEBC સામાજિક, શૌક્ષણિક પછાત વર્ગ બનાવીને અનામત આપવામાં આવશે. મરાઠા સમાજને અલગ-અલગ જૂથમાં અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રીમંડળે રવિવારે અનામત પર પછાત વર્ગ આયોગના રિપોર્ટને સ્વાકાર કરી લીધો છે. મંત્રીમંડળે આયોગની ત્રણ ભલામણને મંજૂરી આપી દીધી છે, અને મરાઠાઓને અલગ-અલગ કોટામાં અનામત આપવામાં આવશે. મુખ્યમંત્રી ફડણવીસે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, સહ્યાદ્રીમાં આયોજીત કેબિનેટ બેઠકમાં અનામતની સાથે દુકાળ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, શીતકાલિન સત્રની પૃષ્ઠભૂમી પર આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
રવિવારે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટના નિર્ણય વિશે જાણકારી આપતા કહ્યું કે, મરાઠા સમાજને અનામત આપવા માટે સહમતી બની ગઈ છે. આ સંબંધમાં કેબિનેટની બેઠક દરમ્યાન એસઈબીસી બિલ પર મોહર લગાવી દેવામા આવી છે. સરકારનું માનવું છે કે, મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે.
સીએમ ફડણવીસે કહ્યું કે, અમને પછાત વર્ગ આયોગનો રિપોર્ટ મળ્યો હતો, જેમાં ત્રણ ભલામણ કરવામાં આવી હતી. મરાઠા સમાજને એસઈબીસી હેઠળ અલગથી અનામત આપવામા આવશે. અમે પછાત વર્ગ આયોગની તમામ ભલામણને સ્વીકાર કરી લીધી છે, અને આના પર અમલ કરવા માટે એક કેબિનેટ કમિટી પણ બનાવવામાં આવી છે.
We received Backward Class Commission report with 3 recommendations.
Independent reservation will be given to Maratha community in SEBC.
We’ve accepted the recommendations&constituted a Cabinet Sub-committee to take statutory steps for implementing them: Maharashtra CM D Fadnavis pic.twitter.com/i6vN0CHe6S— ANI (@ANI) November 18, 2018
આ પહેલા ગુરૂવારે રાજ્ય પછાત વર્ગ આયોગે મરાઠા અનામતને લઈ પોતાનો રિપોર્ટ મુખ્ય સચિવને સોપ્યો હતો. આ દિવસે અહમદનગરમાં એક રેલી દરમ્યાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ રિપોર્ટ વિશે વાત કરતા કહ્યું હતું કે, અમને રિપોર્ટ મળી ગયો છે. હું તમને નિવેદન કરૂ છું કે, 1 ડિસેમ્બરે જશ્ન મનાવવા તૈયાર રહેજો.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે જુલાઈમાં રાજ્યમાં મરાઠા અનામતને લઈ વિભિન્ન જગ્યાઓ પર આંદોલન થયા, કેટલીક જગ્યા પર તો હિંસક આંદોલનો પણ થયા. ત્યારબાદ, ઓગષ્ટમાં ફડણવીસ સરકારે અનામતને લઈ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના વિભિન્ન નેતાઓ સાથે મિટીંગ થઈ અને મરાઠા સમાજને કાયદાકીય રીતે અનામત આપવા માટે એક સંયુક્ત નિવેદન પર સહી કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર મરાઠા અનામતના સમર્થનમાં પૂરી રીતે ઉભી છે. અમે આને ટુંક સમયમાં જરૂરી પ્રક્રિયા પૂરી કરવા માટે આગળ વધ્યા છીએ.