મમતા બેનર્જીની જેમ PM મોદી પણ કરી ચુક્યા છે બેઠકનો બહિષ્કાર, આવું પહેલી વખત નથી ભૂતકાળમાં ઘણી વખત થઈ ચૂક્યું

હાલમાં પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું યાસ આવ્યું છે, અને આ વાવાઝોડા ને કારણે પશ્ચિમ બંગાળમાં ના જિલ્લાઓમાં ઘણું નુકસાન થયું છે. ત્યારે આ વાવાઝોડા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિ જાણવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા, ત્યારે આ દરમિયાન વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. અને ત્યારબાદ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ત્યારે મમતા રિવ્યૂ મીટિંગના નિર્ધારિત સમયે હાજર રહ્યા ન હતા. જેના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે, ચૂંટણી વખતે શરૂ થયેલી કેન્દ્ર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો તણાવ હજુ પણ યથાવત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી અને તેમના ચીફ સેક્રટરી સમિક્ષા બેઠકમાં 30 મિનિટ મોડા પહોંચ્યા હતા. બેઠકમાં આવ્યા બાદ મમતા બેનર્જીએ વાવાઝોડાની અસર પર તૈયાર કરેલા ડોક્યુમેન્ટ્સ આપી દીધા અને એવું કહીને ત્યાથી નિકળી ગયા કે તેમને બીજી મિટિંગોમાં હાજરી આપવાની છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ પીએમ મોદી અને મમતા બેનર્જી પહેલી વખત મળ્યા હતા. ત્યારે આ “યાસ” વાવાઝોડાને લીધે થયેલા નુક્સાન સંદર્ભે વડાપ્રધાન મોદી સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગેરહાજર રહેવાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જેને રાજ્યની પ્રજાના હિત વિરુદ્ધ અને પ્રોટોકૉલનું ઉલ્લંઘન ગણાવાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મીટિંગમાં શુભેન્દુ અધિકારીને બોલાવવાથી તેઓ નારાજ હતા. તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મમતા શુભેન્દુ સામે હારી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મમતા અને ચીફ સેક્રેટરી એકજ પરિસરમાં હોવા છતા મીટિંગમાં 30 મીનિટ મોડા આવ્યા હતા.

ખુદ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બેઠકનો બહિષ્કાર કરનારા નરેન્દ્ર મોદી પોતાની બેઠકમાં મમતા બેનરજીના ના આવવાથી એટલા નારાજ છે કે, કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ આલાપન બંદોપ્ધ્યાયને પરત બોલાવી લીધા છે. પશ્ચિમ બંગાળ સરકારે તેમના કાર્યકાળને 3 મહિના માટે વધાર્યો હતો. કેન્દ્ર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળ સરકાર 31 મેની સવાર સુધી બંદોપાધ્યાયને દિલ્હીના તાલીમ વિભાગ મોકલી આપે. જે મંત્રાલય PMO અંતર્ગત આવે છે.

જો કે આ રીતે બેઠકનો બહિષ્કાર કર્યો હોય તે આ પ્રથમ ઘટના નથી, ભૂતકાળમાં આવું ઘણી વખત થઈ ચૂક્યું છે. જો કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથેની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ સિવાય અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા પણ અનેક વખત વડાપ્રધાનની બેઠકનો બહિષ્કાર કરવામાં આવી ચૂકેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2013ના રોજ નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલની દિલ્હીમાં યોજાયેલી બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મનમોહન સિંહે કરી હતી. આ બેઠક પહેલા ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. જેમાં 50 લોકો માર્યા ગયા હતા, જ્યારે 40 હજારથી વધુ લોકો બેઘર થઈ ગયા હતા. આ બેઠકમાં સાંપ્રદાયિક સદ્ધભાવના વધારવા અને નફરત ફેલાવનારા અભિયાનો પર રોક લગાવવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલની એ બેઠકમાં તત્કાલીન છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ પણ ગેરહાજર રહ્યાં હતા. તે સમયે રાજ્યમાં ભાજપની સરકાર હતી.

આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી કોરોના લૉકડાઉન હટાવવા પર 18 જૂન, 2020ના વડાપ્રધાન સાથે થયેલી વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી ન હતી.

કેરળ: 27 એપ્રિલ, 2020 ના રોજ વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની યોજાયેલી બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજય ગેરહાજર રહ્યાં હતા.

ઓડિશા: ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયક 16 ઓગસ્ટ, 2019ના રોજ નીતિ આયોગની બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા.

તેલંગાણા: તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ 21 ફેબ્રુઆરી, 2021ના રોજ યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા. જો કે તેમના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યાં હતા.

અગાઉ સપ્ટેમ્બર-2013માં વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી એક બેઠકમાં અનેક મુખ્યમંત્રીઓ ઉપસ્થિત હતા. જો કે બેઠક દરમિયાન અચાનક આંધ્ર પ્રદેશના ભાગલા અને તેલંગાણાને નવું રાજ્ય બનાવવાના મુદ્દે તત્કાલીન આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મીટિંગ છોડીને જતા રહ્યાં હતા. નાયડુનું કહેવું હતું કે, જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો , ત્યારે UPA અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને શાંત પાડ્યા હતા અને કહ્યું હતું કે, આ તેલંગાણા પર ચર્ચાનો મંચ નથી.

Scroll to Top