કોવિડ-19 ના આ ભયાનક સમયમાં લોકોના જીવનની રક્ષા માટે દિવસ-રાત અથાગ મહેનત કરનારા કોરોના યોદ્ધાઓની સુરક્ષા રામ ભરોસે રહેલી છે. જો તમે કોરોના સંક્રમિત થઈ જાવ તો તેની કોઈ ગેરંટી નથી કે તેની સારવાર માટે તમને બેડ મળી જશે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ સમયે જોવા મળ્યું જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર કરી રહેલી ટીમના ઇન્ચાર્જ તથા નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ પ્રવીણ કુમારને ત્રણ કલાક સુધી બેડ મળ્યો નહોતો. પ્રવીણ કુમાર કોરોનાથી જીવ ગુમાવનાર 300થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા છે.
પ્રવીણ કુમારને લઈ તેમનો પરિવાર ત્રણ કલાક સુધી એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભટકતા જોવા મળ્યા છે. મેયરથી લઈને કમિશ્નર અને સીએમઓ સુધી પ્રવીણના સાથીઓએ બેડ માટે વિનંતિ કરી હતી. ત્યાર પછી કમિશ્નરના પ્રયાસથી તોશામ રોડ વિસ્તારમાં એક ખાનગી હૉસ્પિટલમાં બેડ મળ્યો હતો. તેમનું ઓક્સિજન લેવલ 40 સુધી પહોંચેલુ હતું અને તેમના સાથીઓનું કહેવું છે કે, ડૉક્ટરો ત્યારે એ કહેતા હતા કે, તેઓ તેમનું કામ કરી રહ્યા છે. તમે પણ ભગવાનને પ્રાર્થના કરો. પ્રવિણ કુમારની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને તેમણે મોડી રાત્રે છેલ્લા શ્વાસ લઈ લીધા હતા.
પ્રવીણ કુમાર હિસાર શહેરની સફાઈ વ્યવસ્થા સંભાળી રહેલા સફાઈ કર્મચારી યૂનિયનના વડા હતા. તેઓ લગભગ 700 સફાઈ કર્મચારીઓની ટીમને સંભાળતા હતા. પ્રવીણ કુમાર શહેરના જાણીતા લોકો પૈકી એક રહેલા હતા. તેમના એક ઈશારા પર સમગ્ર શહેરની સફાઈ વ્યવસ્થાના દરેક કામ થઈ જતા હતા. નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ હોવા છતાં તે કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કારની 12 એપ્રિલ 2020 થી કમાન સંભાળી લીધી હતી. એક વર્ષ બાદ તે પોતાની ટીમના સભ્યોની સાથે મળી કોરોનાના કારણે જીવ ગુમાવનારા 300 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા હતા. આ ઉપરાંત અંતિમ સંસ્કાર પર મળનારી રકમનો મોટાભાગનો હિસ્સો આપવાથી લઈને જરૂરિયાત વાળા લોકોની મદદ માટે ખર્ચ કરી નાખતા હતા.