મંદિરથી જોડાયેલી તમામ સંપત્તિના માલિક ભગવાન કે પૂજારી? સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

દેશમાં મંદિરો પાસે અખૂટ સંપત્તિ હોવાની વાતો ખૂબ જ ચર્ચાય છે. કેટલાક એવા મંદિર છે જેના સંચાલન માટે ટ્રસ્ટ બનાવી તેની દેખભાળ કરવામાં આવી રહી છે. મંદિરોમાં લોકો દાનમાં અઢળક સંપત્તિઓ આપતા હોય છે. પરંતુ ક્યારેક એવા પણ કિસ્સા બનતા હોય છે કે, કેટલાક વ્યક્તિઓ મંદિર પર પોતાનો હકનો દાવો કરી લેતા હોય છે.

મંદિરોમાં ચાલતા વિવાદોના મામલાઓ હવે કોર્ટ સુધી પહોંચી રહ્યાં છે. જેનાથી મંદિરોમાં સત્તા મેળવવા માટે કેવા પ્રકારના કાવા-દાવાઓ થઈ રહ્યાં છે, તે વાતો જગજાહેર થવા લાગી છે. આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે, મંદિરમાં પ્રતિષ્ઠિત દેવતા જ મંદિરથી જોડાયેલી તમામ સંપત્તિના માલિક છે. પૂજારી માત્ર પૂજા કરવા અને સંપત્તિની દેખભાળ માટે હોય છે.

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મંદિરની સંપત્તિઓ સંબંધિત રાજસ્વ રેકોર્ડથી પૂજારીઓના નામ હટાવવા માટે જાહેર કરેલા પરિપત્રને યથાવત રાખતા આ ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પ્રદેશમાં ભૂ-રાજસ્વ સંહિતા-1959 અંતર્ગત જાહેર કરાયેલ પરિપત્રોને મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ્દ કરી દીધો હતો.

રાજ્ય સરકારે અપીલમાં તર્ક આપ્યો હતો કે, મંદિરની સંપત્તિઓને પૂજારીઓ દ્વારા ગેરકાયદેસર વેચાણથી બચાવવા માટે આ પ્રકારનો વચગાળાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ પૂજારીએ તર્ક આપ્યો હતો કે, તેમને ભૂમિસ્વામી (સ્વામિત્વ) અધિકાર આપવામાં આવ્યા છે અને આવા વચગાળાના નિર્દેશો દ્વારા તે પરત લઈ શકાય નહી.

જસ્ટીસ હેમંત ગુપ્તા અને જસ્ટીસ એ.એસ. બોપન્નાની પીઠ દ્વારા અયોધ્યા રામ મંદિરના ચૂકાદા સહિતના અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું હતુ કે, આ પ્રકારના ભેદ પર કાયદો સ્પષ્ટ છે કે, પૂજારી આવી સંપત્તિનો ઉત્તરાધિકારી નથી હોતો.

પૂજારી માત્ર પ્રબંધન માટે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ છે. પૂજારી માત્ર દેવતાઓની સંપત્તિના પ્રબંધન માટે એક અનુદાનકર્તા જ છે. જો પૂજારી તેને સોંપાયેલા કામો જેવા કે, પૂજા કરવી અને પ્રબંધન કરવું તેમાં નિષ્ફળ જાય તો આવા અનુદાનકર્તાને બદલી પણ શકાય છે.

Scroll to Top