કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દ્વારા એક કાર્યક્રમમાં આશ્વર્યચકિત કરનારી વાત કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘હું દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત માટે ગયો હતો, ત્યારે સિક્યોરિટી ગાર્ડ દ્વારા મને ડંડો મારવામાં આવ્યો હતો. હું સામાન્ય વ્યક્તિ બનીને એ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યો હતો.
હોસ્પિટલના દરવાજા પર આ ઘટના મારી સાથે બની હતી. આ હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે હું અચાનક જ હોસ્પિટલની મુલાકાત માટે પહોંચી ગયો હતો. હું બેન્ચ પર બેસવા જ જતો હતો ત્યારે એક સુરક્ષાકર્મી દ્વારા મને દંડો મારવામાં આવ્યો હતો અને મને ત્યાં બેસવા પણ દેવામાં આવ્યો નહોતો.’
નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગુરુવારના ચાર આરોગ્ય સુવિધાના ઉદઘાટન કરતી વખતે આરોગ્યમંત્રી દ્વારા આ સમગ્ર ઘટના જણાવવામાં આવી હતી. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, અનેક દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અન્ય તબીબી સહાય મેળવવામાં મુશ્કેલીઓ સહન કરવી પડી રહી હતી.
આ દરમિયાન તેમણે એક 75 વર્ષીય મહિલાનું ઉદાહરણ પણ આપ્યું હતું, જે પોતાના પુત્ર માટે સ્ટ્રેચર મેળવવા ગાર્ડને વિનંતી કરી રહી હતી, પરંતુ તેને એ મળ્યું નહોતું. ગાર્ડની વર્તણૂકથી ખૂબ દુ:ખી થયાનું જણાવતાં માંડવિયાએ જણાવ્યું હતું કે ‘સફદરગંજ હોસ્પિટલમાં 1500 ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી એકપણ ગાર્ડ દ્વારા વૃદ્ધ મહિલાની મદદ કરવામાં આવી નહોતી.
ત્યાર બાદ માંડવિયાએ પેરામેડિકલ અને અન્ય સ્ટાફને તેમની ભૂમિકાની યાદ અપાવતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફ એક સિક્કાની બે બાજુ રહેલ છે. તેમણે એક ટીમ તરીકે કામ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, માંડવિયા દ્વારા અહીં નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત ચાર સુવિધાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તેમાં કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલી અસ્થાયી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા 44 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે.