મંત્રી પોતે સામાન્ય વ્યક્તિની જેમ ડીઝલ પુરાવા માટે પહોંચ્યા અને પકડ્યું કૌભાંડ, રાતોરાત પેટ્રોલ પંપ થયો સીલ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સ્થિત નાયરા કંપનીના પેટ્રોલ પંપને આજે સીલ કરી દેવામાં આવ્યો હતો. ગત રાત્રે ગુજરાત સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશ પટેલ કાફલા વગર સામાન્ય વ્યક્તિની જેમ પોતાની કાર માં ડીઝલ ભરવા ગયા હતા. મંત્રી મુકેશ પટેલે પોતાની કારમાં 4 હજારથી વધુનું ડીઝલ લોડ કર્યું હતું, પરંતુ પંપ મીટરમાં કશું સ્પષ્ટ દેખાતું નહોતું.

જ્યારે મંત્રીએ ડીઝલ ભરતા કર્મચારીઓ પાસેથી જવાબ માંગ્યો ત્યારે તેમણે મંત્રી મુકેશ પટેલને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પેટ્રોલ પંપના કર્મચારીઓને ખબર નહોતી કે તેઓ જેની સાથે વાત કરી રહ્યા છે તે સામાન્ય વ્યક્તિ નથી પરંતુ ગુજરાત સરકારમાં મંત્રી છે. મંત્રી મુકેશ પટેલે રાત્રે સુરત કલેક્ટરને પેટ્રોલ પંપ સાથે સંકળાયેલા કૌભાંડની જાણ કરી હતી. રાત્રે જ પુરવઠા વિભાગના અધિકારીઓ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. પેટ્રોલ પંપના 12 નોઝલમાંથી તપાસ કર્યા બાદ 6 નોઝલ સીલ કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ સુરતના ઓલપાડ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે. ગઈ કાલે રાત્રે તેઓ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા માટે કાર લઈને અહીં એકલા પહોંચ્યા હતા અને તે પછી પેટ્રોલ પંપ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલમાં સુરતના આ પેટ્રોલ પંપના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને પ્રાપ્ત અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો