South Korea Fire: ડીસ્ટ્રીક કોર્ટમાં અજાણ્યા શખ્સે લગાવી આગ, 7ના મોત; 41 થી વધુ ઘાયલ

દક્ષિણ કોરિયાના ડેગુમાં એક ઈમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી હતી.

7 માળની ઇમારતમાં આગ
આગની માહિતી મળતાં જ ડઝનબંધ અગ્નિશામકો અને વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા અને આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. શહેરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે 7 માળની ઇમારતના બીજા માળે સવારે 10.55 વાગ્યે આગ લાગી હતી.

વકીલની ઓફિસને આગ લગાડી
પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શંકા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ બિલ્ડિંગમાં સ્થિત વકીલની ઓફિસમાં આગ લગાવી દીધી હતી. ડેગુ સુસોંગ જિલ્લાના ફાયર વિભાગના વડા પાર્ક સિઓક-જિને જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 41 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 26ની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ દેખાય છે
ડેગુ મેટ્રોપોલિટન પોલીસના અધિકારી, જેઓંગ હ્યોન-વૂકે જણાવ્યું હતું કે કેમેરા ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ તેના ઘરની બહાર નીકળતો અને આગ લગાડવા માટે ઉપયોગ કરી શકાય તેવું કન્ટેનર લઈને જતો દેખાય છે. જિયોંગે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો એક જ રૂમમાં જોવા મળ્યા હતા અને પોલીસ કારણની તપાસ કરી રહી છે.

ડેગુ દક્ષિણ કોરિયાનું ચોથું સૌથી મોટું શહેર છે
દક્ષિણ કોરિયાના મીડિયાએ અકસ્માતની કેટલીક તસવીરો પ્રકાશિત કરી છે, જેમાં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આ સિવાય રાહત અને બચાવ કાર્યમાં લાગેલા ઈમરજન્સી વિભાગના કર્મચારીઓ પણ તસવીરોમાં જોઈ શકાય છે. ડેગુ દક્ષિણ કોરિયાનું ચોથું સૌથી મોટું શહેર છે અને તે 2.6 મિલિયન લોકોનું ઘર છે.

Scroll to Top