અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતને લઈને ચીન ગુસ્સે છે. ગુરુવારે ચીને આ મુલાકાતના વિરોધમાં કવાયત દરમિયાન તાઈવાનની સરહદ નજીક મિસાઈલ પણ છોડી હતી. આ પહેલીવાર છે જ્યારે ચીને તાઈવાન તરફ મિસાઈલ છોડી છે. બીજી તરફ કેટલીક એરલાઈન્સે તેમની તાઈપેઈની ફ્લાઈટ રદ કરી છે. જ્યારે ઘણા ચીનના દાવપેચને જોતા અન્ય એરસ્પેસનો ઉપયોગ કરી રહ્યા છે.
ચીનની સેના તાઈવાન સરહદથી માત્ર 9 નોટિકલ માઈલ દૂર સૈન્ય અભ્યાસ કરી રહી છે. આ કવાયતમાં ઘણા યુદ્ધજહાજ, ફાઈટર જેટ ભાગ લઈ રહ્યા છે. એટલું જ નહીં ચીને તાઈવાન તરફ ઘણી મિસાઈલો પણ છોડી હતી. ચીન તાઈવાનની આસપાસ 6 જગ્યાએથી હવા અને સમુદ્રમાં પ્રેક્ટિસ કરી રહ્યું છે. ચીન દ્વારા છોડવામાં આવેલી ઘણી મિસાઈલો જાપાનની સરહદમાં પણ પડી હતી.
જેની અસર આ ફ્લાઈટો પર પડી છે
આ દાવપેચને કારણે દક્ષિણ પૂર્વ એશિયાથી ઉત્તર પૂર્વ તરફ જતી ફ્લાઈટને અસર થઈ છે. કોરિયન એર લાઈને કહ્યું કે તેણે સિઓલ અને તાઈપેઈ વચ્ચેની ફ્લાઈટ્સ રદ કરી છે. સિંગાપોર એરલાઈન્સે પણ સિંગાપોરથી તાઈપેઈની ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. જો કે જાપાન અને હોંગકોંગની ફ્લાઈટ્સ તાઈપેઈ જઈ રહી છે, પરંતુ તેઓ આ એરસ્પેસનો ઉપયોગ કરી રહ્યાં નથી.
ચીની સેનાએ રવિવારે બપોર સુધી ચાલેલી કવાયત દરમિયાન તાઈવાનની દરિયાઈ સરહદમાં મિસાઈલ છોડવાની પુષ્ટિ કરી છે. આટલું જ નહીં ચીનની આ કવાયતમાં 100થી વધુ એરક્રાફ્ટ, 10 યુદ્ધ જહાજ પણ ભાગ લઈ રહ્યા છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીનના 22 ફાઈટર જેટ તાઈવાનના વિસ્તારમાં ઘૂસી ગયા છે. પરંતુ પહેલાથી જ સતર્ક તાઇવાનના ફાઇટર પ્લેન ચેતવણી આપીને હંકારી ગયા હતા. એટલું જ નહીં પરંતુ ગુરુવારે તાઈવાનના સૈનિકોએ કિનમેન દ્વીપ પર ઉડતા ચાર ચાઈનીઝ ડ્રોનને પણ ભગાડી દીધા હતા. તાઈવાન તરફથી કહેવામાં આવ્યું હતું કે ચીન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલો વધુ હતી, તેનાથી કોઈ ખતરો નથી.
અમેરિકાએ ચીનને ચેતવણી આપી છે
અમેરિકાએ ફરી એકવાર ચીનને આ દાવપેચ અંગે ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું, આશા છે કે ચીન નવું સંકટ નહીં સર્જે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, અમેરિકા તાઇવાનમાં શાંતિ અને સ્થિરતા માટે ઊભું છે અને યથાસ્થિતિને બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો વિરોધ કરે છે. ખાસ કરીને બળનો ઉપયોગ કરીને. બ્લિંકને કહ્યું કે, અમે ચીનની વન પોલિસીને પણ સમર્થન આપીએ છીએ, સાથે જ તાઈવાન રિલેશન એક્ટ માટે પ્રતિબદ્ધ છીએ.