જીવનમાં ખુશ રહેવા માટે જરૂરી છે હૂંફ, પ્રેમ અને લાગણી….

લગભગ બધાં જ સામાન્ય ભારતીય પરિવારો જેવી જ આ સવાર છે. ઘરના બધા સભ્યોની જાણે ઘડિયાળના કાંટા સાથે રેસ લાગી હોય તેમ પોતપોતાના કામો આટોપી રહ્યા છે. સુમીને જોબ પર જવુ છે પણ રોજ જ મોડેથી ઉઠવાની આદત મોંઘી પડી જાય છે પછી “ મમ્મી મારા કપડા કાઢીને મુકી રાખ…નાસ્તો તૈયાર રાખ અને ટિફિન પણ ભરીને મુકી દે.. આજે પાછુ મોડું થઈ જશે તો બોસ તો મારા પર ટુટી જ પડશે ખબર નહી કેમ તું મને ટાઈમ પર ઉઠાડતી જ નથી…તું થોડી વહેલી ઉઠે તો તારુ શુ બગડી જાય મમ્મી?” સુધાબેન નાસ્તો બનાવતા બનાવતા સુમીનાં કપડા, નાસ્તો અને ટિફિન તૈયાર કરતા જાય છે. ત્યાં નવમા ધોરણમા અભ્યાસ કરતો વરુણ બરાડ્યો “મમ્મી મારા મોજા કયાં છે? મારા શુઝ પોલીશ કર્યા કે નહી?

જલ્દી લંચબોકસ ભર બસ આવી જશે” સુધાબેનનો એક પગ રસોડામા અને એક પગ બંને બાળકોના કામ કરવામાં આ દોડાદોડી, ભાગાભાગી તેમના જીવનનો નિત્યક્રમ બની ગયો હતો નાસ્તો, ટિફિન તૈયાર કર્યા ત્યાં વિજયભાઈ બોલ્યા, “ અરે!! સુધા મારી ફાઈલો ક્યાં ગઈ? એક વસ્તુ તેની જગ્યા પર નથી આખો દિવસ શું કર્યા કરે છે? મારી કોઈ ચીજ મળતી નથી” બાળકોને નાસ્તો કરવા બેસાડી સુધાબેન વિજયભાઈની ફાઈલો શોધી આપે છે. એ જ ઉતાવળમા વિજયભાઈ પણ નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાય છે.

“ અરે મમ્મી કેટલી વાર કહ્યુ છે મારા માટે આવો પરોઠાનો ઓઈલી નાસ્તો નહિ બનાવવાનો મારુ વજન મેઈંટેઈન નથી થતુ!” સુમી બોલી “ એ બધુ તારી મમ્મી નહિ સમજે બેટા એને તો લાગે છે કે તમે હજી નાના જ છો તે હજી પણ તમને ઘી તેલ જ પીવડાવવા છે. જો ને આ ચા પણ કેટલી મીઠી છે તું પણ જાણે હજી રસોઈ શીખતી હોય એવુ કરશ”

વિજયભાઈ બોલ્યાં. ઝડપથી ચાલતા ટાઈપરાઈટરની ટીક ટીકની જેમ સુધાબેન પર બધાનુ કીચકીચ વરસી રહ્યુ હતુ.
આ બધુ સુધાબેન માટે રોજનુ જ બની ગયુ હતુ મા ની મમતા અને પત્નિની કાળજીને રોજ જ અપમાનિત થવુ પડતુ છતા કાયમ હસતુ મો રાખી બધુ જ સાંભળ્યા કરતા. આજે પણ આ બધુ અવગણીને સુધાબેને વિજયભાઈને પુછ્યુ “ વિજય મે તમને પુછ્યુ તેના વિશે તમે શુ વિચાર્યુ? સાંજે એક કલાક…

સુધાબેનને આગળ બોલતા અટકાવી વિજયભાઈ બોલ્યા “ અરે સુધા તું પણ શુ સવારમા ફરીથી એ જ રાગ આલાપવા માંડી દર બે દિવસે એક જ વાત કર્યા કરે છે.. અરે દિકરી સી.એસ.ની આટલી સરસ જોબ કરે છે, દિકરો આવતા વર્ષે દસમામાં આવશે અને મને પણ આવતા મહીને પ્રમોશન મળવાનુ છે આટલુ સરસ જીવન છે તેમાં તારે હવે આ ઉમરે સંગીત શીખીને શુ કરવુ છે એ જ નથી સમજાતુ.. એક તો આમ પણ અમારા બધાના કામમાં તારાથી કચાશ રહી જ જાય છે. એમાં વળી સંગીત શીખવા જઈશ તો અમારા કામ તો થઈ રહ્યા!! માટે આવા બધા નકામા વિચારો છોડ અને ઘરમા ધ્યાન આપ”

સુધાબેન સુનમુન બની ગયા ત્યાં સુમી બોલી “ સાચી વાત છે પપ્પા આખો દિવસ નોકરી કરી ઘરે આવી ત્યા પાછી સાંજે મમ્મી પણ રાગડા તાણતી હોય તો આપણો તો આરામ જ હરામ થઈ જાય ને!! માણસને થોડી તો શાંતિ જોઈએ કે નહી?” બોલતા બોલતા સુમી અને વિજયભાઈ હસી પડયા વળી વરુણ કહે “ મમ્મી, સીંગીગ શીખીને તુ શુ લતા મંગેશકર બની જઈશ? છોડને હવે આ બધુ..”

પોતાની આશા અને અપેક્ષા પર પોતાના જ સ્વજનોએ મજાકનુ ઠંડુ પાણી રેડી દીધુ. વિજયભાઈ સાથે સુધાબેનના એરેંજ મેરેજ થયા હતા ગ્રેજ્યુએટ હોવા છતા વિજયભાઈની ઈચ્છા હતી કે સુધા નોકરી ન કરી અને ઘર સંભાળે તેથી સુધાબેને સહર્ષ ગૃહીણી બની ગયા. વિજયભાઈ પ્રેસમાં કામ કરતા હતા આથી સમયની દરેક પળ સાથે તાલ મિલાવવાનુ તેમનુ રોજીંદુ કામ હતુ સમાજમા થતા ફેરફાર, પરિવર્તન તેમનાથી જરાય અજાણ ન્હોતા પણ છતા પત્નિને ઘરની જ શોભા માનવા જેવો રુઢીચુસ્ત વિચાર તેમના મગજમા પહેલેથી જ હતો. પત્નિને પહેલેથી જ ઘર અને બાળકોની જવાબદારીમાં જ તરબોળ રાખવા પાછળ તેમનો થોડો પુરુષ સહજ અહમ પણ ખરો!

બધાંની સવાર થાય ત્યારથી જ સુધાબેન પર ઓર્ડરનો મારો શરુ થઈ જાય તે જાય ત્યાં સુધી આ ક્રમ અવિરત ચાલુ જ હોય “ સાંજે ડિનરમાં કંઈક સારુ અમને બધાંને ભાવે એવુ બનાવજે, બે શર્ટ રીપેર કરાવવાના છે આપી આવજે, મમ્મી મારા ડ્રેસને પ્રેસ કરાવી લાવજે… મારુ હેરઓઈલ, શેમ્પુ પુરા થઈ ગયા છે આજે લાવી રાખજે” એટલા કામના લીસ્ટ કે જે કયારેય ખુટતા જ નહિ સુધાબેન પણ જાણે આ બધાથી ટેવાઈ ગયેલા પણ હવે આ બધા કામની સાથે જીવનમા જાણે કંઈક નવીનતા લાવવા, પોતાના માટે, પોતાની ખુશી માટે પણ કંઈક કરવાની ઈચ્છા થઈ, નાનપણથી જ સંગીતમા રુચી અને ગાવાનો શોખ આથી સીંગીગ શીખવાની ઈચ્છા થઈ અને વિજયભાઈને જણાવી પણ ઘરના દરેક સભ્યએ તેમની ઈચ્છા મજાકમા અવગણી નાખી.

સુધાબેનની સંગીતની ક્ષુધા હવે શાંત થવાનુ નામ ન્હોતી લેતી ઘરમાં થતા પોતાના અવમુલ્યન વિરુધ્ધ જાણે તેની પોતાની અંદર રહેલી સ્ત્રી પોતાના માટે જાણે પોતાનો હક માગી રહી હતી. એક મા અને એક પત્નિ ઉપરાંત એક સ્ત્રી તરીકે તેનુ પોતાનુ એક અલગ અસ્તિત્વ છે તે વાત તે બધાને સમજાવવા માગતી હતી.

બીજે દિવસે શુક્રવાર હતો સાંજે બધા ઘરે હતા ત્યારે સુધાબેને વાત કરી “ વિજય, મારી એક ફ્રેંડ છે તે ઘણાં સમયથી લખે છે અને હમણાં એને એક ન્યુઝપેપરમાં સ્ટોરીરાઈટીંગનો મોકો મળ્યો છે તેણે પોતાની પહેલી સ્ટોરી તૈયાર કરી લીધી છે અને તે ઈચ્છે છે કે તે પોતાની સ્ટોરી માટે કોઈ ટીનએજ, યંગ અને કોઈ આ ફિલ્ડનાં ઉમરલાયક અનુભવીનો અભિપ્રાય મેળવે. મે તેને કહ્યુ વરુણ, સુમિ અને તમે ત્રણેય તેની અપેક્ષા પુરી કરી શકો તેમ છો આમ પણ તમે તો પ્રેસમાં જ છો તો વાર્તાના વિષયવસ્તુ, અને રોચકતા વિશે વધુ સારી રીતે જણાવી શકો અને શનિ, રવિમાં સમય પણ મળી જશે જો તમે હા પાડો તો તમને સ્ટોરી આપુ, પ્લીઝ થોડી હેલ્પ કરો ને તો તેનુ કામ થઈ જશે!!”

પ્રસ્તાવમાં નકારવા જેવુ કંઈ ન્હોતું, “ અરે અમારા અભિપ્રાયથી કોઈને પ્રતિભાવ મળે અને પ્રોત્સાહન મળે તો કેમ નહિ? જરુર વાંચીશ..કાલે સ્ટોરી આપજે” વિજયભાઈએ શાંતિથી જવાબ આપ્યો.

બીજે દિવસે સુધાબેને ત્રણેયને સ્ટોરી આપી અને કહ્યુ કાલ સાંજ સુધીમા તમારા અભિપ્રાય જરુર આપજો.

રવિવારે સુધાબેન ત્રણેયના અભિપ્રાયની રાહ જોઈ રહ્યા બધા જ્યારે સાંજે નાસ્તો કરવા આવ્યા ત્યારે સુધાબેને પુછ્યુ, “ વિજય! સ્ટોરી વાંચી? કેવી લાગી??” ત્યાં તો સુમિ બરાડી “ શું… સ્ટોરી? આ તે કંઈ સ્ટોરી છે? એકદમ બકવાસ!! સ્ટોરી લખી છે કે લોકોને કંટાળો આપવાનો ગ્રંથ! ચાર પાના સુધી એક ને એક વાત…સો સ્ટુપિડ!!” સુમિને અટકાવી વરુણ બોલ્યો, “ રાઈટ દીદી! કેવી સ્ટોરી છે કોઈ એક્સાઈટ્મેંટ, કોઈ ચેલેંજ, કે કોઈ કન્સેપ્ટ જ નથી? બે કલાક સુધી ચાલ્યા કરે તેવી મંત્રની કેસેટની જેમ એનું એ જ લખ્યા કર્યુ છે… અરે મારાથી તો ત્રણ પાના માંડ વંચાયા.. તમે શું કહો છો પપ્પા?”

“ સાચી વાત છે..વાર્તા શરુ કરીએને આવે કે સીમા સવારે વહેલી ઉઠી, નાસ્તો બનાવ્યો, કામ કર્યુ, રસોઈ બનાવી, ઘરના કામ પતાવ્યા, બપોરની રસોઈ કરી, ફરી રાતની રસોઈ કરી આવતી કાલની તૈયારી કરી સુઈ ગઈ. અરે!! પાછુ એનુ એ જ લખેલુ આવે, આવુ ને આવુ ચાર પાના સુધી લખ્યા જ કર્યુ છે. મને એમ થયુ કે હમણાં કંઈક નવુ આવશે પણ એમાં ને એમાં ચાર પાના ભરી નાખ્યાં છે. અરે આવી તે કંઈ સ્ટોરી હોય? આ સ્ટોરી ન્યુઝ્પેપરમાં તો શું પણ ડાયરીમાં પણ લખવા જેવી નથી.

ડાયરી પણ માણસને ત્યારે લખવાનુ મન થાય જ્યારે એના જીવનમા કંઈક નવીનતા આવી હોય એમાં પણ માણસ રોજ રોજના કામ નથી લખતો… ચાર પાના પછી આવ્યુ કે આખરે સીમા પાંચ વર્ષ પછી ઘરમાંથી બહાર નીકળી પોતાની મરજીથી, ખુશીથી જીવવા માટે, પોતાના માટે કંઈક કરવા તેણે ડિઝાઈનીંગનો કોર્સ શરુ કર્યો ત્યારે થયુ કે હાશ હવે કંઈક વાચવા જેવુ આવ્યુ પણ ત્યાંતો સ્ટોરીનો કોઈ પત્તો જ નથી એમાં શું સમજવુ આપણે? બાકી આગળ તો જે એકનું એક લખાણ લખ્યુ છે એનાથી તો ભગવાન બચાવે!! આવી તો કંઈ સ્ટોરી હોય?”

“ હું પણ તો એ જ કહુ છુ વિજય!! આવી તો કંઈ સ્ટોરી હોય? ચાર પાનામા એકનું એક લખાણ વાંચીને પણ તમે કંટાળી ગયા, ગુસ્સે થઈ ગયા, તો હું તો છેલ્લાં પચ્ચીસ વર્ષથી આવુ એકનુ એક જ જીવન જીવી રહી છુ, સવારે ઉઠુ છુ, તમારા બધાના કામ કરુ છુ, રસોઈ કરુ છુ, ફરી કામ કરુ છુ અને રાત્રે સુઈ જાવ છુ, કોઈ એક્સાઈટ્મેંટ, કોઈ ચેલેંજ, કે કોઈ કન્સેપ્ટ જ નથી મારી લાઈફ-સ્ટોરીમાં, બે કલાક વાગતી મંત્રની ધુનની કેસેટ તો બે કલાક પછી પણ પુરી થાય પણ મારી આ જીવનકેસેટમાં તો છેલ્લા પચ્ચીસ વર્ષથી ઘસાયા વગર એક જ સુર વાગી રહ્યો છે એ તમને કોઈને કેમ નથી સંભળાતો? ખુશ થવા, આનંદમાં રહેવા અને જીવનનો ઉત્સાહ ટકાવી રાખવા મારાં જીવનમાં પણ કંઈક નવીનતા તો હોવી જોઈએને! તમારા બધાની હાજરીમા રહેવામાં, તમારા સમયને સાચવવામાં, બાળકોને સંભાળવામા અને ઘરને ચલાવવામાં હવે હું ક્યાંક મને ખોઈ બેઠી છુ.

તમારા માટે, બાળકો માટે મે જે કંઈ પણ કર્યુ તે હું જતાવવા કે બતાવવા નથી માગતી પણ દરેક સંબંધના હિસાબ ખુબ જ નાજુક હોય છે, દરેક સંબંધ પ્રેમ, વિશ્વાસ, અને આદરના પાયા પર ટકે છે. મે મારા તરફથી પુરો પ્રેમ અને વિશ્વાસ કેળવ્યો પણ તમે બધા મારા પર વિશ્વાસ જ ન કરી શક્યા, આદરની વાત તો દુર રહી. ઘરનુ કામ, બાળકોનો ઉછેર બધુ જ મે મારી ફરજ અને જવાબદારી સમજી કર્યુ પણ તમે બધાએ મારી શુ ગણતરી કરી? કંઈ જ નહી એક એવી સ્ત્રી જે સમયે સમયે તમને જમાડે, તમારી વસ્તુઓ શોધી આપે, તમારા નવા નવા જોક અને હસીનુ પાત્ર બને? સ્ત્રી જ્યારે પ્રેમથી સમર્પિત થાય છે ત્યારે લોકો હંમેશા જ તેના સમર્પણને તેની ફરજ અને પોતાનો હક બનાવી દેતા હોય છે, ચાલો, હક જ સમજો પણ તમારા બધાની પણ તો કંઈક ફરજ હોય કે નહિ? તમારા બધાના કામમાં મારાથી કચાશ રહી જાય છે તો તમે બધા મેચ્યોર છો બધા પોતાના કામ જાતે કરો.. પરોઠા ન ભાવે તો પૌઆ, ઉપમા જાતે બનાવો, ચા ક્યારેક બગડે તો જાતે કરીને પી લો.. આખો દિવસ મારી મજાક ઉડાડવી, અને અવગણના જ કરવી?

પરિવાર ફક્ત વ્યક્તિઓથી જ નથી બનતો પણ એકમેક માટે પ્રેમ, હુંફ, લાગણી અને માન-સમ્માનની ભાવના પરિવારને સંપુર્ણ બનાવે છે. એક વ્યક્તિ બધા માટે પોતાનુ સર્વસ્વ ત્યાગે છે તો દરેક વ્યક્તિ તેના પ્રત્યે પુર્ણ સમર્પિત ન થાય પણ ઓછામાં ઓછુ તેની જરુરિયાત અને ભાવનાની કદર તો જરુર કરે. એક સ્ત્રી શું ઈચ્છે છે? માત્ર ને માત્ર કદર અને કાળજી..” આજે તું બહુ થાકી ગઈ છો? રહેવા દે, આજે તુ આરામ કર અમે થોડું એડજસ્ટ કરી લઈશુ..મમ્મી કયારેક તારા માટે પણ કંઈક કર..આવા વ્હાલના બે વેણ એ જ એક સ્ત્રી માટે તેના સમર્પણની સોગાત છે.. પણ સ્ત્રીના ઘરકામ કરવાની તેની સ્વીકૃતીને પરિવાર બધી જ બાબતો માટે તેની મૌન સ્વીકૃતી માની લેતા હોય છે. કારણ કે તેની ઈચ્છા , સલાહ કે મંતવ્યની કોઈને કંઈ જરુર જ નથી લાગતી કેમ? કેમ કે તે ઘરનું કામ જ કરે છે..

એક કલાક સંગીત શીખવાની જ વાત કરી હતીને એ પણ પચ્ચીસ વર્ષની વગર પગારની નોકરી કર્યા બાદ પણ અફસોસ મારો પરિવાર મને મારા જીવનમાંથી એક કલાક પણ ન આપી શક્યો કારણ કે એ તમને નકામી વાત લાગે છે, સુમી તું દરરોજ મેકઅપ કરે છે તો શું તુ કોઈ બ્યુટીક્વીન બની જવાની છે? વરુણ તુ દરરોજ ક્રિકેટ રમે છે તો શું સચિન બની જઈશ? નહિને.. છતા તમે બધા એ બધુ કરો છો કારણ કે તેનાથી તમને આનંદ થાય છે, તમને ખુશી મળે છે તો હું સંગીત કેમ ન શીખી શકુ? લતા મંગેશકર બનુ કે ન બનુ પણ મારા મનને ગમતુ કરવાનો આનંદ તો મળશે ને? સવારના છ થી દસની મારી નોકરીમાં એક બ્રેક જ સમજી લો..જીવનમાં કંઈક નવીનતા આવશે.. તમે જ કહ્યુ ને વિજય કે સ્ટોરીમા સીમા ડિઝાઈનીંગ કરવા નીકળે છે ત્યારે કંઈક નવીનતા આવે છે પણ ત્યાં આગળ સ્ટોરીનો કોઈ પત્તો જ નથી ક્યાંથી હોય? સીમા કે સુધા નામ ભલે અલગ હોય પણ તે ભુલી જાય છે કે તેને પોતાના માટે જીવવાનો, વિચારવાનો કોઈ હક જ નથી કારણ કે દરેક ઘરે એક એક વિજય હોય જ છે.
વિજયભાઈ સુમિ અને વરુણ જાણે પોતાની જ નજરમાંથી ઉતરી ગયા, શરમથી તેમની નજર ઝુકી ગઈ વિજયભાઈ

સુધાબેનને કંઈક કહેવા માટે આગળ વધે છે અને “ પણ સુધા મારી વાત તો…” એટલુ બોલે છે ત્યા જ સુધાબેન તેમને અટકાવતા કહે છે..

“મારી મમ્મી કાયમ જ કહેતી કે સ્ત્રીનુ એના જીવનમાં કંઈ જ હોતુ નથી.. લગ્ન પહેલા મા બાપ માટે જીવવાનુ, પછી પતિ માટે, અને છેલ્લે જીવનનાં અંત સુધી બાળકો માટે આમાં ઉંમર તો વધતી જ જાય છે અને આશાઓ, સપનાઓ, અપેક્ષાઓ ઘટતી જ જાય છે. પોતાના માટે કયારે જીવવુ? ભલે હુ કામ કરવા બહાર નથી જતી, હુ કોઈ ચોક્કસ બાબતમા પારંગત નથી પણ એટલુ તો જાણુ છુ કે શીખવા અને શોખ પુરા કરવા કોઈ ઉમર હોતી નથી પણ સમય અને સ્વજનો ઈચ્છે તો ઉમરના કોઈ પણ પડાવ પર તમને તમારી મનગમતી પ્રવૃત્તિ કરાવી શકે છે જો તેઓ દિલથી તમને ચાહતા હોય … સુમિ સરસ જોબ કરે છે, વરુણ અભ્યાસમાં તેજસ્વી છે અને તમને પણ પ્રેસમાં પ્રમોશન થવાનુ છે બધી જ આનંદની વાત છે પણ તે બધામાં ગર્વ લેવા સિવાય મારા માટે શું આનંદની વાત છે, શું મારી રોજની ભાગાભાગી, મારી ફરજો, મારા કામ ઓછા થશે? ના, હું તો હતી ત્યાં ને ત્યાં જ રહીશ અને એનો મને કોઈ રંજ નથી પણ અફસોસ જરુર થશે કે આ પ્રગતિના લીસ્ટમાં મને કોઈ પ્રમોશન ન મળ્યુ..

વિજય એક વાત યાદ રાખજો જયારે એક સ્ત્રીને પરિવારમાંથી આદર અને કદર નથી મળતા ને ત્યારે તે પરિવારની મટીને પોતાની થઈ જાય છે અને તેનુ સ્ત્રીત્વ બંડ પોકારે છે, અને થોડી સ્વાર્થી બની જાય છે.. પોતાની ખુશી અને સન્માનનો રસ્તો તે પોતે જાતે જ શોધી લે છે. અને મેં પણ શોધી લીધો છે.. હું સંગીત શીખવા જઈશ એ નક્કી છે, તમે હા પાડો તો પણ અને ના પાડો તો પણ.. હુ તમારા કામ પણ કરીશ પણ તમને સંતોષ ન મળે તો તો તમારે બધાને જે કામથી જે ફરિયાદ હોય તેણે પોતાનુ કામ જાતે કરી લેવુ.. કારણકે હવે મારે પણ કંઈક શીખવુ છે..મારે પણ આનંદ મેળવવો છે.. મારે પણ ખુશ થવુ છે..”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here