અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે સરકાર તરફથી તબક્કાવાર પગલાં લેવામાં આવી રહયા છે. જ્યારે તંત્ર તરફથી માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અવારનવાર કહેવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવા માટેની અપીલ કરતા રહે છે. પરંતુ શાસકપક્ષના નેતાઓને જાણે કોઈ નિયમ જ લાગુ ન પડતા હોય એવું ચિત્ર અનેક વખત નજરે ચડી જાય છે.
અમદાવાદના પ્રથમ નાગરિક મેયરને કોઈ નિયમ લાગુ પડતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. તે માસ્ક વગર નજરે ચડયા છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોસ પણ વાયરલ થઈ રહ્યા છે. અમદાવાદના મેયર કીરીટ પરમાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાના મેડિકલ સ્ટોરના ઉદ્ધાટન માટે પહોંચ્યા હતા. ત્યાં તે માસ્ક પહેરવાનું ભૂલી ગયા હતા. આ પ્રસંગ દરમિયાન તે માસ્ક વગર જોવા મળ્યા હતા. નાગરિકોને સલાહ આપતા મેયરને કોઈ નિયમ લાગુ ન પડતા હોય તેવું જોવા મળ્યું હતું.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે. એક સામાન્ય વ્યક્તિના નાકથી થોડા પણ માસ્ક નીચે ઉતરી જાય તે તેની પાસેથી ભારે ભરખમ આર્થિક દંડ વસુલવામાં આવે છે. પરંતુ અહીં મેયરને કોઈ ગાઈડલાઈન્સ લાગુ ન પડતી હોય એવું જોવા મળી રહ્યું છે.
શું તંત્ર દ્વારા એમની પાસેથી દંડ વસુલ કરવામાં આવશે? આ પ્રશ્ન પણ લોકો દ્વારા ચર્ચાનો વિષય બન્યો છે. આ ભૂલ સામે કોર્પોરેશનની ટીમ પગલાં લેશે કે નહીં તે પણ એક સવાલ છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, ગાઈડલાઈન્સનો અમલ નહીં કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
જ્યારે માત્ર મેયર કીરીટ પરમાર જ નહીં અગાઉ પણ ભાજપના ઘણા નેતાઓ માસ્ક વગર જોવા મલ્યા છે. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ સામે વેક્સીનેશનને પણ વેગ અપાઈ રહ્યો છે. વેક્સીન લેવા માટે લોકો સવારથી નજીકના કેન્દ્ર પર લાઈન લગાવતા જોવા મળી રહ્યા છે.