અમદાવાદઃ આજે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો 8મો દિવસ છે. ત્યારે તેના ઉપવાસના સમર્થનમાં નર્મદા વિરોધી મેધા પાટકર પહોંચ્યા હતા ત્યારે ગ્રીનવુડના ગેટ પાસે હાર્દિકના સમર્થકોએ ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના નારા લગાવીને વિરોધ કર્યો હતો. ઉપરાંત હાર્દિકના સાથી મનોજ પનારા બે હાથ જોડીને મેધા પાટકરને રવાના થઈ જવાની વિનંતી કરી હતી.
મેધા પાટકરે શું કહ્યું?
મેધા પાટકરે ગ્રીનવુડ ગેટ પાસે જણાવ્યું હતું કે, હાર્દિકના ઉપવાસ અંગે મને કંઈ જાણ નથી. કારણ કે છેલ્લા 10 દિવસથી હું કેરળમાં હતી. પરત આવ્યા બાદ અહીંથી ફોન આવ્યો હતો તેથી હું પણ ખેડૂતોની સમર્થક હોવાથી હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપવા આવી છું.
હાર્દિકના આમરણાંત ઉપવાસના સમાધાનના સંકેત
હાર્દિક પટેલના ઉપવાસના છેક આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છવાણી પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાર્દિકને સાથે મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.
ઉપવાસનો આજે 8મો દિવસ
પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિકનું વજન સતત ઘટી રહ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. બે દિવસ જળ ત્યાગ કર્યા બાદ હાર્દિકે આજે સવારે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. જો કે હાર્દિકે પાણી ભલે પીધું પણ તે અન્ન લેશે નહીં અને ઉપવાસ ચાલુ રાખશે.
અમિત ચાવડાએ લીધી મુલાકાત
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આઠમા દિવસે તેને સમર્થન આપવા દેશભરમાંથી લોકો આવવાના છે, ત્યારે આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ મળવા પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદ હાજર રહ્યા હતા.
હાર્દિકને મધુસુદન મિસ્ત્રીનું સમર્થન
મધુસુદન મિસ્ત્રીએ હાર્દિકના સમર્થનમાં જણાવ્યું હતું કે, સરકાર જે પૈસા ખોટી રીતે વિદેશ પ્રવાસમાં બગાડે છે, તે શિક્ષિત બેરોજગારોના હિત માટે વાપરવા જોઈએ. સરકારે હાર્દિકની વાત સંભળાવી જોઈએ, અમે હાર્દિક પટેલના આંદોલનને સમર્થન કરીએ છીએ. સરકાર હંમેશા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. પાટીદાર, ગરીબો અને સમાજના પ્રશ્નોને વાચા આપવાની કોઈ નીતિ સરકારની રહી નથી. હાર્દિકની ચળવળ ને ટેકો આપવા આવ્યો છું.