મેડીકલના વિદ્યાર્થીઓ ડરને લીધે બન્યા “રસોઇયાં અને વેઈટર” વિડીયો થયો વાયરલ

હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સામે ઘણી વખત સીનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોય છે જેના કારણે અનેક વિદ્યાર્થીઓ હેરાન થતા હોય છે. ત્યારે આજે જ એવો જ એક વિડીયો રાજસ્થાનના ભરતપુર મેડિકલ કોલેજમાંથી સામે આવેલ છે.

જેમાં અમુક મેડિકલ સ્ટુડન્ટ વાસણ ઘસીને ટેબલ પર મૂકતા દેખાયા છે. આ વિડીયો પ્રથમ સપ્ટેમ્બરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દિવસે મેડિકલ કોલેજના મેસનું ઉદ્ઘાટન કરાયું હતું. આ વિડીયોને લઇને એમ પણ કહેવાય રહ્યું છે કે, બાજુમાં ઉભેલો જોવા મળતો સીનિયર સ્ટુડન્ટ અન્ય જૂનિયર સ્ટુડન્ટનું રેગિંગ કરી રહ્યો હતો.

જેમાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, જૂનિયર સ્ટુડન્ટ દ્વારા વાસણ સાફ કરાવવાની સાથે રસોઇ કરાવીને પ્રિન્સિપલ તથા અન્ય લોકોને પણ જમવાનું પિરસાવાનું કામ પણ કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં કોલેજ પ્રશાસને આ આરોપને ફગાવતા આવુ કંઇ બન્યુ ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ વિડીયો સામે આવ્યા બાદ કોલેજના પ્રિન્સિપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મેસમાં બનતા ભોજનને લઇને વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા હતા ત્યાર બાદ એમને જ ઇન્ચાર્જ બનાવી દેવાયા હતા. જેથી એમની મરજી અનુસાર ભોજન તૈયાર થાય અને તેની ફરિયાદ ના થાય. વાયરલ વિડીયોમાં વાસણ ઘસતાં જોવા મળતાં વિદ્યાર્થીઓને લઇને પ્રિન્સિપલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ જાતે ભોજન તૈયાર કરી જાતે જ વાસણ સાફ કરે તો તેમાં ખોટુ શું છે.

અત્યારે આ વિડીયોના લીધે સમગ્ર વિસ્તારમાં વિવાદ ઉભો થઈ ગયો છે. આ ઘટનાના કારણે કોલેજમાં જૂનિયર વિદ્યાર્થીઓની રેગિંગનો મામલો સામે આવ્યો છે. આ અગાઉ પણ આ કોલેજમાંથી રેગિંગનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સીનિયર્સ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓને શારીરિક ત્રાસ આપવાનું પણ સામે આવ્યું હતું. આવી જ ઘટના હવે સામે આવી છે જેમાં જૂનિયર વિદ્યાર્થી દ્વારા વાસણ ઘસવામાં આવી રહ્યા છે અને એક સીનિયર પાસે રહીને કામ કરાવતો જોવા મળી રહ્યો છે.

Scroll to Top