મોડાસાના ગાજણ ગામમાં એક સાથે પરિવારના ચાર સભ્યોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ખેડૂતના પરિવારના યુવાન પુત્રએ પત્ની તેમજ બે નાના બાળકો સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. આર્થિક સંકડામણના લીધે તેણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગાજણ ગામના રામદેવપીર ફળી વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય ખેડૂત કાળુસિંહ પરમાર, તેમની પત્ની જ્યોતિકા, પુત્ર મયંક (ઉંમર ૭) અને ટેડીયો (ઉંમર ૫) ૩૧ ડિસેમ્બરે ગુમ થઈ જતાં ભારે ચકચાર મચી હતી. જે બાદ કાળુસિંહના પિતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમનો દીકરો પરિવાર સાથે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા તેમના મૃતદેહ ગામના ડુંગર પાસે આવેલા એક તળાવ મળી આવ્યા હતા. જેના કારણે ગામમાં ચકચાર મચી ગઈ હતી. ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને બાદમાં પરિવારને સોંપાયા હતા. ફુલ જેવા બાળકો સાથે પતિ-પત્નીએ આપઘાત કરી લેતાં અંતિમયાત્રામાં લોકો હિબકે ચડ્યા હતા.