Politics

મોદીની હાજરીમાં પોતાને કોબ્રા કહેનારા મિથુનનું પત્તું કપાયું, ભાજપે જાહેર કર્યા ઉમેદવારો

  • થોડા દિવસો પૂર્વે ભાજપમાં જોડાયેલા અભિનેતાને બંગાળમાં રાસબિહારી બેઠક ઉપરથી ઉમેદવાર બનાવાય તેવી ચર્ચા હતી.

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બંગાળની ચૂંટણી માટે ભાજપે મંગળવારે વધુ 13 ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે, આ લિસ્ટમાં બોલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તીનું નામ નથી, જેઓ થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાયા હતા. અત્યાર સુધી મળેલા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, મિથુન ભાજપ માટે હાલ ચૂંટણી પ્રચાર જ કરશે, પરંતુ તેમને ચૂંટણી લડાવાશે નહીં.

મિથુન ચક્રવર્તીને બંગાળમાં રાસબિહારી બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી ચર્ચા હતી. જોકે, મંગળવારે જાહેર થયેલી ભાજપની યાદીમાં આ બેઠક પરથી રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સુબ્રત સાહાને દાવેદાર બનાવાયા છે. સુબ્રત સાહા કાશ્મીર ખીણમાં લાંબો સમય કામ કરી ચૂક્યા છે અને તેમને એક સીનિયર આર્મી ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે.

જણાવી દઈએ કે, ગત 7 માર્ચે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ હતી. એ પહેલા જ મિથુન ચક્રવર્તીએ ભાજપનો ખેસ પહેર્યો હતો. જ્યારે પીએમ મોદી મંચ પર પહોંચ્યા ત્યારે મિથુન ચક્રવર્તીએ તેમનું સ્વાગત પણ કર્યું હતું. ચક્રવર્તીએ આ તકે પોતાની ફિલ્મના ડાયલોગ પણ બોલ્યા હતા અને કહ્યું હતું કે, અમી જોલ્ધારાઓ નોઈ, બીલે બોરાઓ નોઈ…..અમી ઈકતા કોબ્રા, ઈક ચોબેલ- ઈછોબી (મને એક બિનહાનિકારક સાપ સમજવાની ભૂલ ન કરતાં, હું એક કોબ્રા છું, લોકોને એકવારમાં જ દંશ મારીને મારી પણ શકું છું.)

ઉલ્લેખનીય છે કે, ભાજપે મંગળવારે 13 બેઠકો પર દાવેદારોની જાહેરાત કરી છે. જેમાં સુબ્રત સાહા ઉપરાંત મતુઆ સમાજના પોતાના સાંસદ શાંતનુ ઠાકુરના ભાઈ સુબ્રત ઠાકુરને ગાયઘાટ વિધાનસભા બેઠકથી ટિકિટ અપાઈ છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લોહિડીને બાલુરઘાટથી ઉમેદવાર બનાવાયા છે.

લોહિડીને પહેલા ઉત્તર બંગાળની અલીપુરદ્વાર બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પાર્ટી કાર્યકર્તાઓના વિરોધને પગલે હવે તેમને બાલુરઘાટથી ઉમેદવાર બનાવાયા છે. ભાજપે અલીપુરદ્વારથી સ્થાનિક નેતા સુમન કાંજીલાલાને ગત સપ્તાહે ઉમેદવાર જાહેર કર્યા હતા. ચૌરંગી અને કાશીપુર-બેલગછિયા બેઠકો પરથી ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યા બાદ પાર્ટીએ નવા ઉમેદવારોની જાહેરાત કરી છે.

ચૌરંગીથી શિખા મિત્રાને ટિકિટ અપાઈ હતી, જે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સોમેન મિત્રાના પત્ની છે. તે સાથે જ તૃણમૂલ ધારાસભ્ય માલા સાહાના પતિ તરુણ સાહાને કાશીપુર-બેલગછિયાથી ઉમેદવાર બનાવાયા હતા. ભાજપ માટે મૂઝવણની સ્થિતિ એ સમયે ઊભી થઈ ગઈ કે જ્યારે મિત્રા અને સાહાએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે, તેઓ પાર્ટીમાં સામેલ થયા ન હતા.

પાર્ટીએ હાલમાં જ ભાજપમાં સામેલ થયેલા વિશ્વજીત દાસને બાગડા વિધાનસભા બેઠકથી ઉમેદવાર બનાવ્યા છે. તૃણમૂળ કોંગ્રેસ તરફથી તેમણે બોંગાવ (ઉત્તર) વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગત દિવસોમાં ભાજપમાં સામેલ થયા હતા. પાર્ટીના ઘણા જૂના નેતા ઉમેદવારોની યાદીમાં પોતાનું નામ ન જોઈને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker