માલ્યા-નીરવે છેતરપિંડી કરી હોય તો જેલમાં મોકલો, નાણાંભીડમાં હોય તો ફ્રોડ ના ગણો
મુંબઇઃ એક બાજુ ભાજપે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મહત્વનાં ત્રણ રાજ્યોની સત્તા ગુમાવી દીધી, બીજી બાજુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 9000 કરોડના કૌભાંડી દેશના ભાગેડુ વિજય માલ્યા પર હેત વર્ષાવતા વડાપ્રધાન મોદીની પીડામાં વધારો કરવાની સ્થિતિ ઊભી કરી છે. માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ ગુરુવારે અત્રે એક કાર્યક્રમમાં કહ્યું કે માલ્યા ભાગેડુ નથી તેમને માફ કરો અને એક તક આપો. ગડકરીએ સવાલ કર્યો કે માલ્યાએ 40 વર્ષ સુધી લોનનું વ્યાજ ચૂકવ્યું. એવિયેશનનમાં નુકસાનને કારણે તે પૈસા ચૂકવી ન શક્યો તો તેને વિલફૂલ ડિફોલ્ટર કેમ કહી શકાય?
તેમણે વધુમાં જણાવ્યું કે બેન્કિંગ હોય કે ઇન્શ્યોરન્સ, દરેક બિઝનેસમાં ઉતાર-ચઢાવ તો હોય છે. પરંતુ ભૂલો પ્રામાણિક હોય તો તેમને માફ કરી દેવી જોઇએ અને એક તક આપવી જોઇએ. સાથે કહ્યું કે આપણી બેન્કિંગ સિસ્ટમ મુશ્કેલીમાં ફસાયેલી કંપનીઓને સપોર્ટ કરતી નથી. આપણી બેન્કિંગ વ્યવસ્થા એવી છે કે જ્યારે કોઇ કંપની પર સંકટ આવે તો તેને દર્દીની જેમ આઇસીયુમાં નાંખી દેવાય છે અને પછી એ કંપની ખતમ થઇ ગઇ છે એવું નક્કી કરી દેવાય છે. આરબીઆઈ મુદ્દે ગડકરીએ કહ્યું કે અમે સેન્ટ્ર્લ બેન્કની સ્વાયત્તતા સ્વીકાર કરીએ છીએ.