એશિઝ સિરીઝ 2023 માટે ઈંગ્લેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો છે. તેણે તેની ટેસ્ટ નિવૃત્તિ પાછી લઈ લીધી છે. નિવૃત્તિ પાછી ખેંચી લીધા બાદ સ્ટાર ઓલરાઉન્ડરને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝ 2023ની પ્રથમ બે મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
મોઈન અલીએ 2021માં નિવૃત્તિ જાહેર કઈ હતી
મોઇન અલીએ વર્ષ 2021ના અંતમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ હવે કેપ્ટન બેન સ્ટોક્સ, કોચ બ્રેન્ડન મેક્કુલમ અને ટીમના મેનેજિંગ ડિરેક્ટર રોબ કી સાથેની વાતચીત બાદ તેને પરત લાવવામાં આવ્યો છે. મોઈન અલીને સ્પિનર જેક લીચની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેક લીચ આ અઠવાડિયાની શરૂઆતમાં હેમસ્ટ્રિંગના તાણને કારણે એશિઝમાંથી બહાર થઈ ગયો હતો.
ક્રિકેટમાં પાછા ફરવા માટે ઉત્સાહિત છે મોઈન અલી
રોબ કીએ આપેલા નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, “અમે આ અઠવાડિયાની શરૂઆતમાં મોઈન અલીનો ટેસ્ટ ક્રિકેટમાં વાપસી અંગે સંપર્ક કર્યો હતો. થોડા દિવસો પછી જવાબ આપતા, મોઈન અલી ટીમ સાથે જોડાવા અને ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત છે. તેનો અનુભવ તેમજ તેની ઓલરાઉન્ડ ક્ષમતાથી અમારા એશિઝ અભિયાનને ફાયદો થશે. અમે મોઈન અને બાકીની ટીમને તેમના એશિઝ અભિયાન માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”
મોઈન અલીનું ટેસ્ટ કરિયર
એશિઝ સિરીઝ 16મી જૂનથી શરૂ થશે. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે, જે મોઈન અલીનું હોમ ગ્રાઉન્ડ છે. મોઇન અલીએ પોતાના કરિયરમાં 64 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની 111 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 28.29ની એવરેજથી 2914 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સદી અને 14 ફિફ્ટી ફટકારી છે, જેમાં તેનો હાઈ સ્કોર 155 અણનમ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન બોલિંગ કરતી વખતે તેણે 36.66ની સરેરાશથી 195 વિકેટ લીધી છે.