મોરબી અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 143 થયો, આંકડો વધી શકે છે, PM મોદીના અનેક કાર્યક્રમો રદ્દ

ગુજરાતના મોરબીમાં ઝુલતો પુસ અકસ્માતમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. સોમવારે સવારે 7 વાગ્યા સુધીમાં મૃત્યુઆંક 143 પર પહોંચ્યો હતો. મચ્છુ નદીમાં બચાવ કાર્યને ઝડપી બનાવવા સેનાની મદદ લેવામાં આવી રહી છે. SDRFની સાથે NDRFની ટીમો પણ આ કામમાં લાગેલી છે. તો રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત સુધી ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. દુઃખની વાત એ છે કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃતદેહો મેળવવાની પ્રક્રિયા ચાલુ રહી છે. આશંકા છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે અને સોમવારે બપોર સુધીમાં બચાવ કાર્ય પૂર્ણ થવાની આશા છે. બચાવ કાર્ય માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે ફાયર બ્રિગેડ, કોસ્ટ ગાર્ડ, ગરુડ કમાન્ડો અને નેવીની મદદ લેવામાં આવી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના મોરબી અને આસપાસના વિસ્તારના રહેવાસી છે.

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી જઈ શકે છે. પીએમના ઘણા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈને પીએમ મોદી સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છે. બીજી તરફ ભાજપે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. 1 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં યોજાનાર પેજ કમિટીના પ્રમુખોનો દિવાળી મિલન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે 31 ઓક્ટોબરથી શરૂ થનારી રાજ્યવ્યાપી પરિવર્તન સંકલ્પ યાત્રા પણ મોકૂફ રાખી છે, જો કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ, જે યાત્રા માટે ગુજરાત પહોંચી રહ્યા છે, તેઓ મોરબીની મુલાકાતે આવવાના છે.

મોરબીના દુ:ખદ અકસ્માતની તપાસ માટે સરકારે વિશેષ તપાસ ટીમની રચના કરી છે. આ પાંચ સભ્યોની ટીમમાં આર એન્ડ બી સેક્રેટરી સંદીપ વસાવા, આઈએએસ રાજકુમાર બેનીવાલ, આઈપીએસ સુભાષ ત્રિવેદી, ચીફ ઈજનેર કે.એમ.પટેલની સાથે ડો.ગોપાલ ટાંકને રાખવામાં આવ્યા છે. આ વિશેષ તપાસ ટીમ અકસ્માતનું કારણ શોધી કાઢશે. મોરબીના ઈતિહાસમાં 43 વર્ષ બાદ આ બીજો મોટો અકસ્માત છે. 11 ઓગસ્ટ, 1979 ના રોજ મચ્છુ નદી બંધ તૂટી જતાં 1,800-25,000 લોકો મૃત્યુ પામ્યા હતા.

મોરબી અકસ્માત સંદર્ભે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં IPCની 304, 308, 114 લગાવવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. મોરબીના આ ઐતિહાસિક પુલને તાજેતરમાં ઓરેવા નામની કંપનીએ પોતાના કબજામાં લઈ લીધો હતો. ટેન્ડરની શરતો મુજબ કંપનીએ આગામી 15 વર્ષ સુધી બ્રિજની જાળવણી કરવાની હતી. સાત મહિનાના સમારકામ પછી કંપનીએ તેને 26 ઓકટોબરે લોકો માટે ખોલ્યો હતો. પાંચ દિવસ પછી 30 ઓક્ટોબરની સાંજે 6.30 થી 7:30 વચ્ચે પુલ બે ટૂકડા થઇ નદીમાં ખાબકી ગયો હતો.

Scroll to Top