ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં વહીવટીતંત્રે પ્રથમ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર ચીફ ફાયર ઓફિસર સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં સરકારી અધિકારી સામે આ પહેલી મોટી કાર્યવાહી છે.
નોંધનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવેલો પુલ રવિવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 135 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ગુજરાત પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે. જેમાં બ્રિજના ટિકિટ કલેક્ટરથી લઈને કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.
તાજેતરની ધરપકડ અંગે મોરબી જિલ્લા અધિકારી જી. ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા છે.’ મોરબીના નિવાસી અધિક કલેકટરને આગામી આદેશ સુધી ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાએ બ્રિજના સમારકામ અને જાળવણીનો કોન્ટ્રાક્ટ ઓરેવા જૂથને 15 વર્ષ માટે આપ્યો હતો.