વિધાનસભા ચૂંટણીમાં મોરબીમાં કોંગ્રેસને સફળતા મળી છે અને હવે તે ફરીથી નગરપાલિકા પર કબ્જો જમાવવા માટે નવી ચાલ રમવા જઈ રહ્યુ છે. ત્યારે ભાજપ પણ શહેરને મહાપાલિકાના દરજ્જાની માંગ સાથે ચૂંટણી લાવવાની ચાલ રમવા જઈ રહ્યો છે.
મોરબી પાલિકામાં સતા માટે નવો દાવપેચ શરૂ થયો છે. હાલ પાલિકામાં કોંગ્રેસના બળવાખોર સદસ્યોના ટેકાથી ભાજપ સતા પર છે. વિધાનસભાની ચૂંટણીમાં આઠ સભ્યો ફરી પાછા કોંગ્રેસમાં ઘર વાપસી થતા કોંગ્રેસે સતા માટે દાવપેચ રચ્યો છે. જનરલ બોર્ડ યોજાય તો ભાજપ બહુમતી પુરવાર કરી શકે તેમ નથી. જો કે ભાજપે મોરબીના વિકાસના દ્વાર ખોલવા માટે મહાપાલિકાના દરજ્જાની માગ શરૂ કરી ફેર ચૂંટણીનો દાવ રમવાનો પ્રયાસ કર્યો છે.
મોરબી પાલિકાના 18 કોંગ્રેસી સદસ્યોએ આગામી સમયમાં રીકવીઝીશન બેઠક યોજવાની પાલિકા પ્રમુખ સમક્ષ દરખાસ્ત કરી છે. કોંગ્રેસના સદસ્યોના કહેવા મુજબ સતાધારી પક્ષ ભાજપ લઘુમતીમાં હોવાથી છેલ્લા 8 મહિનાથી જનરલ બોર્ડ બોલાવાયું નથી. સત્તા હાથમાંથી સરકી ન જાય તે માટે શાસક પક્ષ ભાજપ જનરલ બોર્ડ બોલાવતું નથી.
હાલ નગર પાલિકામાં ભાજપના હાથમાંથી પણ સત્તા જાય તેવી સંભાવના છે. તેથી જ ભાજપ મહાપાલિકાના દરજ્જાની વાત આગળ મુકીને નવેસરથી ચૂંટણી યોજાય અને સંભવત પોતાના હાથમાં સતા રહે તેવો તખ્તો ગોઠવી રહ્યુ છે.