પાછલા અઠવાડિયામાં અગાઉ કરતા 67% વધુ કોરોનાના કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. અત્યાર સુધીમાં પાછલા અઠવાડિયા દરમિયાન ભારતમાં સૌથી ઝડપથી કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે, પાછલા અઠવાડિયામાં અગાઉના અઠવાડિયા કરતા 1 લાખ વધુ નવા કેસ નોંધાયા છે, જેની ટકાવારી 67% થાય છે. આ દરમિયાન વાયરસના કારણે મૃત્યુઆંકમાં 9 અઠવાડિયા પછી 41%નો ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયામાં કોરોનાના કારણે 1,239 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, અગાઉની જેમ જ નવા કેસની સરખામણીમાં મૃત્યુઆંક ઘણો નીચો રહ્યો છે.

દેશમાં પાછલા અઠવાડિયા (15-21 માર્ચ) દરમિયાન 2.6 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલાના અઠવાડિયામાં 1.55 લાખ નવા કેસ નોંધાયા હતા. આ અત્યાર સુધીનો દેશમાં કોરોનાના કારણે નોંધાયેલો સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા 20-26 જુલાઈ દરમિયાન 34%નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે જૂના અઠવાડિયાની સરખામણીમાં લગભગ 80,000 જેટલા વધુ કેસ નોંધાયા હતા. રવિવારે દેશમાં નવા 47,047 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. 130 દિવસ પછી એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા છે.

આ અગાઉ 11 નવેમ્બરના રોજ આટલા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 30,535 નવા કેસ નોંધાયા છે. 13 જાન્યુઆરી પછી પહેલીવાર એક દિવસમાં નોંધાનારા મૃત્યુઆંક 200ને પાર ગયો છે, પાછલા 24 કલાકમાં 213 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે, આ પહેલા 72 દિવસ અગાઉ એક સામટા આટલા કેસ નોંધાયા હતા. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 99 લોકોના જીવ ગયા છે, આ પછી પંજાબમાં 44, કેરળમાં 13, છત્તીસગઢમાં 10 અને તામિલનાડુમાં 9 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

આંકડા પ્રમાણે પાછલા અઠવાડિયામાં દેશમાં નોંધાયેલા નવા 2,60,518 કેસમાંથી ખાલી મહારાષ્ટ્રમાં જ 1,65,269 કેસ નોંધાયા છે. આખા ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રમાં જેટલા કેસ નથી નોંધાયા તેનાથી વધુ તો પાછલા અઠવાડિયામાં નોંધાયા છે, ત્યારે રાજ્યમાં 1,28,671 કેસ નોંધાયા હતા. આ સાથે મુંબઈમાં પણ રવિવારે એક દિવસના સૌથી વધુ 3,779 કેસ નોંધાયા છે. રવિવારે દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઉછાળા સાથે કેસ નોંધાયા છે. જેમાં પંજાબમાં 2,669 નવા કેસ નોંધાયા, જે 17 સપ્ટેમ્બરે રાજ્યમાં નોંધાયેલા 2,896 કેસની નજીક છે.

ગુજરાતમાં એક દિવસમાં વધુ 1,580 નવા કેસ નોંધાયા છે, આ નવેમ્બર 28 પછી નોંધાયેલા સૌથી વધુ કેસ છે, જ્યારે મધ્યપ્રદેશમાં 8 ડિસેમ્બર પછી 1,322 નવા કેસ નોંધાયા છે. તામિલનાડુમાં 14 ડિસેમ્બર બાદ સૌથી વધુ 1,289 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં ક્રિસ્મસની સાંજ બાદ સૌથી વધુ 823 કેસ નોંધાયા છે.

આ સિવાય કેરળ (1,875), કર્ણાટકા (1,715), છત્તીસગઢ (1,000), ઉત્તરપ્રદેશ (496) અને રાજસ્થાનમાં (476) મોટો ઉછાળો નોંધાયો છે. કર્ણાટકામાં અગાઉના અઠવાડિયે નોંધાયા હતા તેના કરતા પાછલા અઠવાડિયામાં 9000 કરતા પણ વધુ કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતા લગભગ ડબલ છે. ગુજરાતમાં 7 દિવસમાં કોરોનાના નવા કેસમાં 82%નો ઉછાળો નોંધાયો છે- દિવાળી પછી અહીં નોંધાયેલા કેસ બાદ સૌથી મોટો ઉછાળો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top