એક તરફ આ વર્ષે જાણે મેઘરાજા રીંસાયા છે, તો બીજી બાજુ સરકારની નીતિને કારણે રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી છે, ધરતીપુત્ર પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જવાની બીકે આયખુ ટુંકાવી રહ્યાં છે. રાજ્યમાં દિવસે ને દિવસે ધરતીપુત્રો હિમ્મત હારી રહ્યાં છે, બીજી બાજુ સરકાર હજુ પ્લાનિંગ જ કરી રહી છે, છેલ્લા 48 કલાકમાં ત્રણ ખેડૂતોના આપઘાતથી રાજ્યમાં ચકચાર મચી છે.
જસદણમાં કુવામાં પાણી ન આવતા આપઘાત
મંગળવારે જસદણમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે આપઘાત કરી લીધો હતો. જસદણના ગીતાનગરમાં રહેતાં શિવરાજભાઇ માંજરિયાએ મંગળવારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા શિવરાજભાઇએ પોતાના ખેતરમાં કુવો કરાવ્યો હતો. જો કે કુવામાં પાણી ન આવતાં શિવરાજભાઇ હિમ્મત હારી ગયા હતા, અને આયખુ ટૂંકાવી લીધું હતું.
દ્વારકામાં ખેડૂત યુવકનો આપઘાત
તો દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર ખેડૂતનું નામ વિરમ હાથીયા ખુંટી હતું. ખેડૂતે શનિવારે ગેસના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં તબિયાત ખરાબ થતાં વધારે સારવાર માટે જૂનાગઢ લઇ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રવિવારે ખેડૂતનું મોત નિપજ્યું હતુ. 33 વર્ષીય વિરમ હાથીયા ખુંટીને છેલ્લા કેટલાક દિવસથી આર્થિક સંકડામણ હોવાથી અંતે કંટાળીને આ પગલુ ભર્યુ હોવાની પરિવાર દ્વારા માહિતી મળી છે. પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે તેમના માથે દેવું વધી જતા આપઘાત કરી લીધો છે.
સુરેન્દ્રનગરમાં આપઘાતનો પ્રયાસ
તો બુધવારે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ખેડૂત યુવકે ઝેર ગટગટાવી આયખુ ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત યુવકે આપઘાત પહેલા એક સુસાઇટ નોટ લખી હતી, જેમાં તેણે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. સુસાઇટ નોટમાં ખેડૂત યુવકે લખ્યું કે તે પાક નિષ્ફળ જતાં આર્થિક ભીંસમાં આવી ગયો હતો, જેના કારણે તે વ્યાજે લીધેલા નાણાં ચૂકવી શક્યો નથી, નાણાં ન ચૂકવતા વ્યાજખોરો સતત તેને ધમકાવી રહ્યાં હતા. આથી તેણે આ પગલું ભર્યું છે.
એક તરફ રાજ્યમાં ધરતીપુત્રોની માઠી દશા બેઠી છે, તો બીજી બાજ સત્તા પક્ષ અને વિપક્ષ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, અમદાવાદ કોંગ્રેસનું કહેવું છે કે સરકારે ખેડૂતો માટે કોઇ પગલા લીધા નથી, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે વિપક્ષ સતત વિધાનસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવી રહ્યું છે, પરંતુ ખેડૂતોના આપઘાત મુદ્દે સરકાર ગંભીર નથી. સરકારે ખેડૂતોના આપઘાત રોકવા માટે ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઇએ.
તો સામા પક્ષે રાજ્યમાં અછતની પરિસ્થિતિની સમિક્ષા કરવા હજુ સરકારમાં બેઠકોનો દોર જ ચાલુ છે, બુધવારે સરકારે યોજેલી બેઠકમાં કેટલી કામગીરી કરવામાં આવી તે અંગે જાણકારી આપવામાં આવી હતી, જો કે સરકારે પોતાના જ મુખે પોતાના વખાણ કરવામાં કોઇ કસર બાકી રાખી નહીં, પરંતુ રાજ્યમાં ખેડૂતોના આપઘાત મુદ્દે એક શબ્દ પણ ઉચાર્યો નથી, ભલે તમે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો મોકલીને સારું કામ કર્યું છે, પરંતુ જો ધરતીના તાત જ નહીં રહે તો આ ઘાસચારાનું શું કામ…
ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે
તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.