મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ એક જ દિવસમાં લાખો ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા

પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરે રવિવારે વહેલી સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વહેલી સવારથી જ પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેરથી પર્વત પર આવેલા માતાજીના મંદિર સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી.

તમામ ભક્તોની એક જ ઈચ્છા હતી કે તેઓ શક્ય હોય તેટલું જલ્દી મહાકાળી માતાનાં દર્શનનો લાભ લઈ શકે. 500 વર્ષ બાદ મહાકાળી માતાજીના મંદિરે માથું ટેકવવા માટે ભક્તો પોતાના વારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

તાજેતરમાં યાત્રાધામ પાવાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાળી માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને દેશ અને વિશ્વમાં વસેલા મહાકાળી માતાનાં ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે. રજાનો દિવસ હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે સવારથી સાંજ સુધીમાં બે લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા.

Scroll to Top