ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે અનામતને લઈ મોટુ નિવેદન આપ્યું છે. નરેશ પટેલે અનામત આંદોલનને સાચુ ગણાવી, આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવું જોઈએ, તેમ જણાવ્યું છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, આ પ્રસંગ દરમ્યાન નરેશ પટેલે અનામત મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે લેઉઆ પટેલ સમાજના લોકોને સંબોધતા કહ્યું કે, પાટીદાર અને સવર્ણ વર્ગ માટે અનામતનું આંદોલન સાચુ છે, આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવું જોઈએ.
આ સિવાય નરેશ પટેલે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના ઘરે જઈ તેના પરિવારની મુલાકત કરી હતી. અલ્પેશ કથિરીયા હાલમાં રાજદ્રોહના કેસમાં જેલમાં છે.
તમને જણાવી દઈએ કે, સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી. બાદમાં તેમની ધરપકડ કરીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અન્ય 9 લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.
પાટીદાર સમાજનું બિનરાજકીય અને સર્વ સ્વીકૃત નામ ખોડલધામના નરેશ પટેલ વિધાનસભા ચૂંટણી બાદ ખુબ ચર્ચામાં આવ્યા હતા. નરેશ પટેલ પાટીદાર સમાજના અગ્રણી માનવામાં આવે છે. નરેશ પટેલ એક આગવી ઓળખ ધરાવે છે અને લેઉઆ પટેલોને એક કરવામાં તેમનો ફાળો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધનાઢ્ય અને વ્યહવાર કુશળ નરેશ પટેલને સફળ માનવામાં આવે છે તેમાં બે મત નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે બંન્ને પક્ષો પાટીદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ ખોડલધામના નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવશે તેવી અટકળોએ પણ વેગ પકડ્યો હતો. જોકે નરેશ પટેલે કહ્યું હતું કે, હું કે મારો પરિવાર ક્યારે પણ કોઈ રાજકીય પક્ષ સાથે નહીં જોડાઈએ.