કોરોનાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી કોલેજના વિદ્યાર્થીઓ એક પણ દિવસ કોલેજ કે કલાસરૂમમાં ગયા નથી. તો પણ રાજ્ય સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વિચારણા કરવામાં આવી રહી છે. સરકારની આ વિચારણા સામે વિશ્વ વિખ્યાત MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
આજે શહેરના કાલાઘોડા સર્કલ પાસે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતથી વિરોધ દર્શાવ્યો છે. વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ જવાના રસ્તાના ફુટપાથ પર શાકભાજીની દુકાન લગાવી પોસ્ટર બેનર સાથે બેસી ગયા હતા. તે સમયે પસાર થનાર રાહદારીઓનું ધ્યાન આ શાકભાજી વેચતા વિદ્યાર્થીઓ પર પડયુ તો લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
ફુટપાથ પર બેસી શાકભાજી વેંચનાર MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તો તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઉભું થશે. માર્કશીટ પર માસ પ્રમોશનનો સિક્કો વાગવાની સાથે જ માર્કશીટની કોઈ કિંમત રહેશે નહીં અને એ ફક્ત એક કાગળ બની જાશે.
ભવિષ્યમાં જો કોઈ વિદ્યાર્થી સારી નોકરી પ્રાપ્ત કરવા જશે તો માસ પ્રમોશનના કારણે નોકરી મેળવવામાં પણ ભારે મુશ્કેલી ઉભી થશે. જો કોરોના કાળમાં ચૂંટણી યોજાઈ શકે છે તો પરીક્ષા કેમ નહીં તેવો સવાલ વિદ્યાર્થીઓ દ્વારા સરકારને પૂછવામાં આવ્યો છે.
ભવિષ્યમાં માસ પ્રમોશનના કારણે નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી થશે. જયારે વિદ્યાર્થીઓ બેરોજગાર થઈ જશે. જેના કારણે આ વિદ્યાર્થીઓએ અત્યારથી જ ભવિષ્યનો વિચાર કરતા ફુટપાથ પર બેસી શાકભાજીનો વ્યવસાઈ શરુ કરી દીધો છે અને તેના માટે વિદ્યાર્થીઓ સરકારને જ તેના માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. માસ પ્રમોશનનો વિરોધ કરી રહેલા આ વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.