પાર્ટનરે પ્રેમિકાના કર્યા 35 ટુકડા, રોજ રાતે 2 વાગ્યે જંગલમાં ફેંકવા જતો

દિલ્હીના 6 મહિના જૂના હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો. બોયફ્રેન્ડ આફતાબ અમીન પૂનાવાલાએ તેની લિવ-ઈન પાર્ટનર અને ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કરી, તેના શરીરના 35 ટુકડા કરી દીધા અને 18 દિવસ સુધી દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં રાખ્યા.

પોલીસે શનિવારે આરોપી આફતાબની ધરપકડ કરી હતી. એક વર્ષ પહેલા શ્રદ્ધા આફતાબ સાથે રહેવા મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ હતી.

ચાલો આ સમગ્ર ઘટનાને ક્રમિક રીતે સમજીએ…

કોણ હતી શ્રદ્ધા?

26 વર્ષની શ્રદ્ધા મુંબઈના મલાડની રહેવાસી હતી. અહીં તે એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી.

આફતાબ-શ્રદ્ધા ક્યારે અને કેવી રીતે મળ્યા?

શ્રદ્ધા અને આફતાબ બંને કોલ સેન્ટરમાં કામ કરતા હતા. અહીં બંનેની મુલાકાત થઈ હતી. બંને પ્રેમમાં પડ્યા હતા, પરંતુ પરિવારના સભ્યો તેમના સંબંધોથી નાખુશ હતા. આ કારણે બંને મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ ગયા અને મેહરૌલીમાં ફ્લેટમાં રહેવા લાગ્યા.

ઝઘડા બાદ હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર 18 મેના રોજ ઝઘડા બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેણે તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા. પોલીસે જણાવ્યું કે તે દરરોજ રાત્રે 2 વાગે ઘરેથી નીકળી જતો હતો અને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ટુકડાઓ છુપાવતો હતો.

કરવત વડે મૃતદેહના કેટલાય ટુકડા કરવામાં આવ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શરીરના ટુકડા કરવા માટે કરવતનો ઉપયોગ કર્યો હતો. તેણે પહેલા તેના હાથના ત્રણ ટુકડા કર્યા. આ પછી, પગના પણ ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા. આ પછી, તે દરરોજ તેમને થેલીમાં રાખતો અને ફેંકવા માટે લઈ જતો.

પુત્રીએ ફોન ઉપાડવાનું બંધ કરતાં પરિવાર દિલ્હી પહોંચ્યો હતો.

18 મે પછી શ્રદ્ધાએ પરિવારના ફોન લેવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે ચિંતા વધી અને પિતા વિકાસ મદન પુત્રીની હાલત જાણવા 8 નવેમ્બરે દિલ્હી પહોંચ્યા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. તેણે મહેરૌલી પોલીસમાં ફરિયાદ કરી અને આરોપ લગાવ્યો કે પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે.

આફતાબની કબૂલાત – શ્રદ્ધા લગ્ન માટે દબાણ કરતી હતી

પિતાની ફરિયાદના આધારે પોલીસે શનિવારે આફતાબની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તે લગ્ન માટે દબાણ કરતી હતી. જેથી તેણે કંટાળીને તેની હત્યા કરી નાખી હતી. હવે પોલીસે હત્યાનો કેસ નોંધીને શ્રદ્ધાના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો