ઇઝરાયેલના અત્યંત જમણેરી મંત્રી ઇટામર બેન-ગવિરે મંગળવારે જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની મુલાકાત લીધી હતી. સાઉદી અરેબિયા, જોર્ડન, પેલેસ્ટાઈન અને સંયુક્ત આરબ અમીરાત બાદ હવે પાકિસ્તાને પણ ઈઝરાયેલના મંત્રીની આ મુલાકાતની આકરી નિંદા કરી છે.
અલ-અક્સા મસ્જિદ મક્કા અને મદીના પછી ઇસ્લામમાં ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે. આ જગ્યાને લઈને યહૂદીઓ અને પેલેસ્ટાઈન વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.
પાકિસ્તાને ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીની અલ-અક્સા મસ્જિદ સંકુલની મુલાકાતને અસંવેદનશીલ અને ઉશ્કેરણીજનક ગણાવી છે.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે અલ-અક્સા વિશ્વભરના મુસ્લિમો માટે આદરણીય પવિત્ર સ્થળ છે. તેનું ઉલ્લંઘન મુસ્લિમોની ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડવાનું છે. પાકિસ્તાને કહ્યું કે ઈઝરાયેલના મંત્રીનું આ પગલું પેલેસ્ટાઈન વિસ્તારમાં પહેલાથી જ તંગ પરિસ્થિતિને વધુ ઉશ્કેરે છે.
નિવેદનમાં પાકિસ્તાને કહ્યું છે કે ઈઝરાયલે તેની ગેરકાયદેસર ગતિવિધિઓ બંધ કરવી જોઈએ અને કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની પવિત્રતાનું સન્માન કરવું જોઈએ.
પેલેસ્ટાઈનને પાકિસ્તાનનું સમર્થન
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ફરી એકવાર પેલેસ્ટિનિયનોની માંગને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન યુએન અને ઓઆઈસીના ઠરાવ મુજબ 1967 પહેલાની સરહદો પર આધારિત સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યનું સમર્થન કરે છે.
આ ઈસ્લામિક દેશોએ પણ નિંદા કરી
પાકિસ્તાન ઉપરાંત સાઉદી અરેબિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, પેલેસ્ટાઈન અને જોર્ડને પણ ઈઝરાયેલના મંત્રીના આ પગલા પર આકરી પ્રતિક્રિયા આપી છે.
સાઉદી વિદેશ મંત્રાલયે કહ્યું, “સાઉદી અરેબિયા ઇઝરાયેલના મંત્રીની અલ-અક્સા મસ્જિદની મુલાકાતની સખત નિંદા કરે છે.” સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઈનની આઝાદીની માંગનું સમર્થન કરતાં કહ્યું કે, સાઉદી અરેબિયા પેલેસ્ટાઈનની જનતાની સાથે મક્કમતાથી ઊભું છે.
યુએઈના વિદેશ મંત્રાલયે પણ ઈઝરાયેલના મંત્રીના મસ્જિદ સંકુલમાં પ્રવેશની આકરી નિંદા કરી છે. યુએઈએ ઈઝરાયલને આહ્વાન કર્યું છે કે એવું કોઈ પગલું ન ભરે જેનાથી જેરુસલેમ ક્ષેત્રમાં તણાવ વધે અને અસ્થિરતા ફેલાય.
જોર્ડનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જોર્ડન મંત્રીના અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશ અને તેની પવિત્રતાના ઉલ્લંઘનની સખત નિંદા કરે છે. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને જોર્ડને ઈઝરાયેલના રાજદૂતને પણ બોલાવ્યા છે.
વિવાદ શું છે
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, 1947માં પ્રાચીન પેલેસ્ટાઈનના વિભાજન પછી, 55 ટકા જમીન યહૂદીઓને અને 45 ટકા પેલેસ્ટાઈનીઓને આપવામાં આવી હતી. પરંતુ 1967માં ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને જેરુસલેમ પર ઈઝરાયેલના કબજા બાદ પેલેસ્ટાઈન સાથેનો વિવાદ વધુ વકર્યો.
જોર્ડન અને ઈઝરાયેલ વચ્ચે સમજૂતી હોવા છતાં યહુદીઓએ ભૂતકાળમાં અનેકવાર નમાજ પઢવા માટે મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બંને પક્ષે તણાવની સ્થિતિ સર્જાઈ છે. ઘણી વખત હિંસક અથડામણ પણ થઈ છે. કરાર હેઠળ, બિન-મુસ્લિમોને પણ મસ્જિદ પરિસરની અંદર જવાની મંજૂરી છે પરંતુ તેમને નમાજ પઢવાની મંજૂરી નથી.