ચીનમાં ભૂકંપ પહેલા અચાનક જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ, CCTV ફુટેજ આવ્યા સામે

ચીનના ઉત્તર પશ્ચિમ પ્રાંત કિંઘાઈમાં શનિવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. આ ભૂકંપની અસર સેંકડો કિલોમીટર દૂર સ્થિત ઘણા શહેરોમાં પણ જોવા મળી હતી. આ દરમિયાન ચીની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ પહેલા આ વિસ્તારમાં એક રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ચીનના રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ચીનના કિંઘાઈ પ્રાંતમાં શનિવારના ભૂકંપ પહેલા સીસીટીવી કેમેરાએ તેજસ્વી પ્રકાશ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં ભૂકંપના આંચકાની થોડીક સેકન્ડ પહેલા એક જોરદાર ફ્લેશ જોવા મળી રહી છે. જો કે, આ ક્લિપની સત્યતાની પુષ્ટિ થવાની બાકી છે. આ વીડિયો માત્ર ચીનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાએ દૂરના ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ રેકોર્ડ કર્યો છે. કારણ કે, આ પછી તરત જ આસપાસની ઇમારતો ધ્રૂજતી જોવા મળે છે. જ્યારે ટ્રાન્સફોર્મર વિસ્ફોટ થાય છે, ત્યારે સામાન્ય રીતે તેજસ્વી પ્રકાશ બહાર આવે છે. જોકે, આ દાવાની પણ પુષ્ટિ થઈ નથી.

યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા 6.3 હતી. ચીનના સ્થાનિક ભૂકંપશાસ્ત્રીઓએ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 ગણાવી છે. ભૂકંપમાં નવ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી આઠને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. એક અખબાર અનુસાર, ભૂકંપના કારણે ચીનની ગ્રેટ વોલનો લગભગ બે મીટર લાંબો ભાગ ધરાશાયી થઈ ગયો.

Scroll to Top