રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ પછી રાજકોટમાં આવી પહોંચ્યા છે. મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમ અને આઈવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. જેમાં તેમણે ગાંધીજી અને સરદારનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજકોટવાસીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે શું ગાંધીનો રાજકોટ પર કોઈ જ હક નહોતો. એ કેવા તત્વો હતાં જેમણે રાજકોટ અને ગાંધીને જુદા કર્યાં હતાં. મહાત્મા ગાંધી પાસેથી ઘણું જ શીખવાં જેવું છે. ગુજરાતને એ આશીર્વાદ છે કે આ ધરતી બાપુની સૌથી નજીક છે. બે ઓક્ટોબર 1869ના દિવસે આ વ્યક્તિનો માત્ર જન્મ જ નહોતો થયો પણ આ સાથે જ એક નવા યુગનો ઉદય થયો હતો.
નરેન્દ્ર મોદીએ સરદારનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતાં. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,’સરદાર પટેલનું સ્મારક ભારતીય એકતાનું પ્રતિક છે પણ વાંકદેખા અને મર્યાદિત દ્રષ્ટીવાળા લોકોને સરદાર સાહેબના સૌથી ઊંચા સ્ટેચ્યુના નિર્માણમાં પણ ચુંટણી દેખાય છે. સરદાર સાહેબ કોઈ ધર્મ કે જાતીના નહિ પરંતુ વિશ્વ માનવ તરીકે પ્રચલિત થયેલું વ્યક્તિત્વ છે’
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સ્વચ્છતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગાંધીબાપુનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બાપુ સ્વચ્છતાના આગ્રહી હતાં. લોકો પણ હવે સ્વચ્છતાં પ્રત્યે જાગૃત થયાં છે. રાજકોટના નાગરિકો સ્વચ્છતા માટે પ્રયાસ કરે. નરેન્દ્ર મોદીએ ગાંધીજીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એવી કોઈપણ મુશ્કેલી નથી જેનો ઉપાય બાપુના વિચારોમાં ન હોય. પ્રકૃતિપ્રેમના સંસ્કારો આપણને વારસામાં મળ્યાં છે. બાપુએ આ વારસાનું જતન અને ઘડતર કર્યું.
આ સભા પછી નરેન્દ્ર મોદી આલ્ફ્રેડ હાઈસ્કૂલ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ગાંધી મ્યૂઝિયમની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.