નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર બન્યા દેશના વડાપ્રધાન, 71 મંત્રીઓ સાથે દિલ્હીમાં લીધા શપથ

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. મોદી સાથે સાથે 71 સાંસદોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. આ 71 મંત્રીઓમાંથી 30એ કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારવાળા અને 36એ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તેમાંથી 27 ઓહીસી છે, જ્યારે 10 એસસી વર્ગના છે. તેની સાથે સાથે મોદી કેબિનેટમાં 18 સીનિયર નેતાઓને પણ જગ્યા આપવામાં આવી છે. બે પૂર્વ સીએમને પણ મોદી સરકારમાં સામેલ કર્યા છે. તેની સાથે સાથે એનડીએના સહયોગી દળોના કેટલીય સીનિયર નેતાઓને પણ મંત્રી બનાવ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપને બહુમત નથી મળ્યો. જો કે, તેમની આગેવાનીમાં એનડીએ ગઠબંધન બહુમતના આંકડાને પાર કરવામાં સફળ રહ્યું.

મોદી કેબિનેટની યાદી

નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, નિતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, મનોહર લાલ ખટ્ટર, એચડી કુમારસ્વામી,પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, જીતનરામ માંઝી, લલન સિંહ, સર્વાનંદ સોનોવાલ, વીરેન્દ્ર ખટીક, કે રામમોહન નાયડૂ, પ્રહ્લાદ જોશી, ગિરિરાજ સિંહ, જુએલ ઓરામ, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, અન્નપૂર્ણા દેવી, કિરેન રિજિજૂ, હરદીપ પુરી, મનસુખ માંડવિયા, જી કિશન રેડ્ડી, ચિરાગ પાસવાન, સીઆર પાટિલ

ત્રીજી વાર પીએમ બન્યા નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના પીએમ બન્યા છે. તેની સાથે જ તેમણે જવાહર લાલ નહેરુના સતત ત્રણ વાર પીએમ બનવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ વખતે ભાજપે પૂર્ણ બહુમત નથી મેળવ્યો. ભાજપે 240 સીટો જીતો છે, જ્યારે બહુમત માટે 272 સીટોની જરુર પડે છે. જો કે, ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને બહુમતથી વધારે 293 સીટો મળી છે.

લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવ્યા હતા, આ વખતે પરિણામ 5 દિવસ બાદ નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો છે. આ અગાઉ 2019માં તેમણે 30મેના રોજ શપથ લીધા હતા, ત્યારે પરિણામ 23 મેના રોજ આવ્યા હતા. તો વળી 2014માં નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ શપથ લીધા હતા,ત્યારે પરિણામ 10 દિવસ બાદ શપથ ગ્રહણ યોજાયો હતો.

Scroll to Top