રાજપીપળા: રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર કાયદાઓ મજબુત બનાવી રહી છે તેવામાં નર્મદા જિલ્લામાં કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મિલિભગતથી બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની કબૂલાત ખુદ એસપીએ કરી છે. તેમણે તેમના તાબા હેઠળના દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને મોકલાવેલા પત્રમાં આ વાતની કબૂલાત કરી છે.
સ્થાનિક લોકોની વ્યાપક ફરિયાદો
નર્મદા જિલ્લા એસપી મહેન્દ્ર બગડિયાએ તેમના તાબામાં આવતાં પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના સંદર્ભમાં કરેલા એક પરિપત્રએ જિલ્લા જ નહિ રાજ્યના પોલીસતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. જિલ્લામાં એલસીબી, એસઓજી સહિતની મહત્ત્વની શાખાઓ સહિતના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે મિલિભગત હોવાથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું હોવાનું પત્રમાં તેમણે જણાવ્યું છે.
સ્થાનિક લોકોની વ્યાપક ફરિયાદો બાદ તેમણે દરેક પોલીસ સ્ટેશનમાં પરિપત્ર મોકલીને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી આપતાં બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ છે. પત્રમાં જણાવ્યા અનુસાર હવે દારૂ અને જુગારના અડ્ડા પર એસપી જાતે રેઇડ કરશે અને રેઇડ સફળ થશે તો થાણા અમલદાર, બીટ જમાદાર અને એલસીબી તથા એસઓજી સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલબેગમાં દારૂની હોમ ડિલિવરી થાય છે
છેલ્લા ઘણા સમયથી નર્મદા પોલીસે સાગબારા સહિતની ચેકપોસ્ટ તથા જંગલોના અંતરિયાળ રસ્તાઓ પર વોચ વધારી દેતાં બુટલેગરો નવા નુસખા અજમાવી રહ્યાં છે. દારૂના શોખીનોને ઘર બેઠા દારૂ મળી રહે તે માટે હવે બુટલેગરોએ શાળાએ જતાં બાળકોનો ઉપયોગ શરૂ કર્યો છે. ગરીબ બાળકો પૈસાની લાલચમાં બુટલેગરોના કહ્યા મુજબ તેમની સ્કુલબેગમાં દારૂની બોટલોની હેરાફેરી કરી રહયાં છે.