અશ્લીલ ફિલ્મો બનાવનાર રાજ કુન્દ્રાને પકડાઈ જવાની આશંકા હતી, ચેટમાં ‘પ્લાન B’ નો થયો ખુલાસો
અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની વોટ્સએપ ચેટ દ્વારા નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કથિત ચેટ પરથી જાણવા મળ્યું છે કે, રાજ કુન્દ્રાને પહેલાથી જ અંદાજો હતો કે, વહેલો-મોડો તે પોલીસના હાથે ઝડપાઈ શકે છે. એવામાં બચવા માટે રાજ કુન્દ્રા દ્વારા ‘પ્લાન B’ તૈયાર કરીને રાખવામાં આવ્યો હતો. સોમવારના રાત્રીના ધરપકડ થયા બાદ મંગળવારના કિલા કોર્ટે રાજ કુન્દ્રા અને તેના સાથી રાયન થાર્પને 23 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.
જ્યારે આ બાબતમાં બીજી તરફ મુંબઈ પોલીસની ટીમ રાજ કુન્દ્રા સામે પુરાવા એકત્ર કરવામાં જોડાઈ ગઈ છે. વોટ્સએપ ચેટ રાજ કુન્દ્રા માટે સૌથી મોટી મુશ્કેલીનું કારણ બની ગઈ છે. રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવાનો અને દેશ-દુનિયામાં તેને વેચવાનો અને પ્રસારિત કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે ‘હોટશોટ એપ’ સસ્પેન્ડ થયા બાદ રાજ કુન્દ્રા દ્વારા પ્રદીપ બક્ષી સાથેની વોટ્સએપ ચેટમાં પ્લાન B નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા સોમવારના મોડી રાત્રે પૂછપરછ બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજ કુન્દ્રાના પૂર્વ પીએ ઉમેશ કામતના મોબાઈલની તપાસ કરી તો તેમાં રાજની ઘણી ચેટ્સ મળી આવી હતી અને તેના પરથી અંદાજો લગાવી શકાય કે પોતાની સામે આવેલા ખતરાને રાજે પારખી લીધો હતો. આ દરમિયાન સામે આવેલી નવી ચેટ્સમાં ‘H અકાઉન્ટ્સ’ નામનું એક ગ્રુપ પણ રહેલું છે. જેમાં પ્રદીપ બક્ષીએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં લખ્યું હતું કે, હોટશોટ એપને ગૂગલે સસ્પેન્ડ કરી નાખી છે. નિયમોની અવગણનાને કારણે આમ થયું હોવાનું પણ સામે આવ્યું છે. તે બાબતમાં રાજ કુન્દ્રા જણાવ્યું હતું કે, ‘કંઈ વાંધો નહીં, પ્લાન B શરૂ થઈ ગયો છે. વધુમાં વધુ 2-3 અઠવાડિયામાં નવી એપ્લિકેશન લાઈવ થઈ જશે.’
રાજ કુન્દ્રાના આ પ્લાન B નું નામ બોલિફેમ રાખેલ હતું. આ દરમિયાન ઉમેશ કામત અને રાજ કુન્દ્રાની વધુ એક કથિત ચેટ સામે આવેલ છે. જેમાં રાજ કુન્દ્રાએ પીએ ઉમેશને ન્યૂઝ આર્ટિકલ પણ મોકલ્યો હતો. જેમાં પોર્ન વિડીયો પ્રસારિત કરનાર 7 OTT પ્લેટફોર્મ્સના માલિકોને પોલીસ સમન પાઠવી શકે છે તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. આ મેસેજનો જવાબ આપતાં રાજ કુન્દ્રાએ લખ્યું હતું, ‘બહુ સારું થયું કે આપણે બોલિફેમની તૈયારી કરી છે.’ ઉમેશ કામતે આ મુદ્દે જણાવ્યું કે, ‘આપણે ઓફિસ જઈને વધારે વાત કરીશું. ત્યાં સુધીમાં આપણે અત્યંત બોલ્ડ કન્ટેન્ટ દુર કરી લેવું જોઈએ.’ ત્યારે રાજ કુન્દ્રાએ જણાવ્યું છે કે, ‘મને લાગે છે આનાથી ખાસ ફરક પડશે નહી. તેના જવાબમાં કામતે લખ્યું હતું કે, ‘આ વધુ ગંભીર નથી. તે લોકો માત્ર વાંધાજનક કન્ટેન્ટને હટાવાનું જણાવશે.’
ઉમેશ કામતે આ બાબતમાં આગળ રાજ કુન્દ્રાને જણાવ્યું કે, હાલ આ ફિલ્મોમાંથી રોજ માંડ 15 થી 20 હજારની રેવન્યૂ મળશે. જ્યારે રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું કે, આવનારું ભવિષ્ય લાઈવ કન્ટેન્ટનું છે કારણકે તેમાં સ્ક્રીન રેકોર્ડિંગ થઈ શકતું નથી. આ કારણસોર તેમાં ખાસ ફરક પડશે નહીં. રાજ કુન્દ્રાએ ઉમેશને કીધું કે, જૂનું કન્ટેન્ટ ઝડપથી વેચી નાખો જેથી 50 લાખ રૂપિયાની ભરપાઈ થઈ શકે.
ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે કે, રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મોની શૂટિંગ અટકાવા માગતો હતો. તેના બદલે મોડલ્સ અને એક્ટ્રેસિસ પાસે લાઈવ સ્ટ્રીમિંગ કરાવા પર રાજ કુન્દ્રા દ્વારા ભાર આપવામાં આવી રહ્યો હતો. આજ રીતે તેની તૈયારી હતી કેમકે અશ્લીલ ફિલ્મોને વેબસાઈટ્સ અને એપ્સ પરથી હટાવી દેવામાં આવે તો પણ લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ રાખી શકાયું હોત. ખાસ વાત એ છે કે, આ બધું જ તેઓ ‘બોલિફેમ’ પર કરવા જઈ રહ્યા હતા અને આ જ તેમનો પ્લાન B રહેલો હતો.