આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે કોરોનાની નવી ગાઈડલાઈન્સ જારી, જાણો કઈ બાબતે મળી રાહત અને થશે કયા નિયંત્રણો લાગુ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અંગે નવી કોવિડ 19 માર્ગદર્શિકા જારી કરી છે. સુધારેલી નવી માર્ગદર્શિકા અનુસાર, હવે એરલાઇન્સને સામાજિક અંતરનું પાલન કરવા માટે ત્રણ સીટમાંથી એક સીટ ખાલી રાખવાની જરૂર રહેશે નહીં. એટલે કે હવે મુસાફરો ત્રણેય સીટ પર મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, ફ્લાઇટના ક્રૂ સભ્યો માટે PPE કિટ પહેરવાની આવશ્યકતાને દૂર કરવામાં આવી છે. એટલે કે હવે ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ સેફ્ટી ઇક્વિપમેન્ટ કે PPE કિટ વિના કામ કરી શકશે.

જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે, 23 માર્ચ, 2020 થી શિડ્યુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ, એર બબલ વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને લગભગ 45 દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે.

આ પ્રતિબંધો ચાલુ રહેશે

નવી માર્ગદર્શિકા મુજબ, એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની પૅટ-ડાઉન સર્ચ પણ ફરી શરૂ કરવામાં આવી છે, જો કે, હજી પણ એરપોર્ટ અને વિમાનની અંદર માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.

બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થશે

જણાવી દઈએ કે કોરોના વાયરસ પ્રતિબંધો બાદ એટલે કે 27 માર્ચથી બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ મોટાભાગે નિયંત્રણમાં હોવા છતાં, એરપોર્ટોએ કોવિડ પરીક્ષણ સહિત અન્ય કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

એર બબલની વ્યવસ્થા પણ ખતમ થઈ

કોરોનાને કારણે, માર્ચ 2020 થી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લાગુ હતો. જણાવી દઈએ કે, હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી હતી કે એર બબલ સિસ્ટમ પણ નાબૂદ કરી દેવામાં આવી છે.

Scroll to Top