સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક: હવે મૃતકના ભાઈએ કરજણ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ

વડોદરામાં સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા સ્વીટી પટેલ કેસમાં શરુઆતના તબક્કામાં તપાસમાં ઢીલ રાખનારી કરજણ પોલીસ પર સ્વીટીના ભાઈ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ કેસની સૌ પહેલા જાણવાજોગ અરજી કરજણ પોલીસ સ્ટેશનમાં જ આપવામાં આવી હતી, જ્યાં તેની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપાઈ હતી. સ્વીટીના ભાઈ જયદીપ પટેલે કરજણ પોલીસ દ્વારા તપાસમાં અસહ્ય વિલંબ કરવા બદલ ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સ્વીટી પટેલ 05 જૂનના રોજ ગુમ થઈ ગયા હતાં, જ્યારે આ અંગેની ફરિયાદ 11 જૂનના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વીટીના ભાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી.

જયદીપ પટેલના વકીલ ભૌમિક શાહના જણાવ્યા મુજબ, કરજણ પોલીસમાં સ્વીટીના ગુમ થવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. તેની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપાઈ હતી. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, આ કેસમાં એકમાત્ર શંકાસ્પદ સ્વીટીના લીવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ જ હતા, પરંતુ હેડ કોન્સ્ટેબલ સ્તરનો કર્મચારી પોલીસ ઈન્સ્પેક્ટરની પૂછપરછ કરે કેવી રીતે? તે પણ એક સવાલ છે.

એડવોકેટ ભૌમિક શાહ દ્વારા કરજણ પોલીસ પર સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસની આ લાપરવાહીથી સ્પષ્ટ જોવા મળી છે કે, શરુઆતમાં આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવ્યો નહોતો. બીજી તરફ ખુદ અજય દેસાઈ પણ સ્વીટીના ગુમ થવાના મામલે તેના ભાઈ જયદીપને શરુઆતથી જ ગેરમાર્ગે જ લઇ જઈ રહ્યા હતા. જ્યારે 11 જૂનના જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે ખુદ અજય દેસાઈ દ્વારા જ તૈયાર કરાઈ હતી અને તેઓ પોતે પણ તે વખતે પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા હતા. જ્યારે ફરિયાદ પણ એ રીતે ડ્રાફ્ટ કરવામાં આવી હતી કે, જેનાથી એવું પ્રતિત થાય છે કે સાસરી પક્ષમાં કોઈ બોલાવતું ના હોવાથી વ્યથિત સ્વીટી પટેલ ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ છે.

અજય દેસાઈ દ્વારા જયદીપ અને કેસની તપાસ કરનારાને ગેરમાર્ગે દોરવા માટેનો તમામ પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ બાબતમાં હવે જયદીપ પટેલ ગુજરાતના પોલીસ વડા, હ્યુમન રાઈટ્સ કમિશન તેમજ હાલ કેસની તપાસ કરી રહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને પત્ર લખીને કરજણ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરી છે.

જયદીપ પટેલના વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે, કેસમાં એક મહિનાથી પણ વધુ મોડું થવાના કારણે મહત્વના પુરાવા નાશ પામવાનો ભય હતો. જ્યારે અજય દેસાઈએ પોતે 06 જૂનના રોજ વડોદરામાં હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમના ફોનનું લોકેશન અટાલી ગામમાં જોવા મળ્યું હતું. જો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસ ત્રણ દિવસમાં આ વાતને પકડી પાડી અને અજય દેસાઈએ જ સ્વીટીનું ખૂન કર્યું હતું તેવું જણાવી શકે છે તો વડોદરા ગ્રામ્ય પોલીસે આટલા દિવસની તપાસમાં તેના પર ધ્યાન કેમ ના આપ્યું? તે પણ સવાલ કરવામાં આવ્યો છે.

આ સિવાય અજય અને સ્વીટી જે સોસાયટીમાં રહેતા હતા તેના સીસીટીવી ફુટેજ પણ આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થતા હતા. જેની વડોદરા પોલીસ દ્વારા યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નહોતી. અજય દેસાઈ દ્વારા 06 જૂનના રોજ સ્વીટીના ભાઈને તેના ગુમ થવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બાબતમાં કરજણ પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજીના એક મહિના બાદ વડોદરા ગ્રામ્ય એસપીએ કેસની તપાસ DySP કલ્પેશ સોલંકીને સોંપાઈ હતી.

Scroll to Top