નિર્ભયા સાથેની ઘૃણાસ્પદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. 16 ડિસેમ્બર 2012ની રાત્રે બનેલી આ ભયાનક ઘટના બાદ સોશિયલ મીડિયા પર આંદોલન ઉભું થઇ ગયું હતું. થોડા સમય પછી આ આંદોલન રસ્તા પર આવી ગયું હતું. જનતાનો આક્રોશ જોઈને સરકાર પણ એક્શનમાં આવી ગઈ અને પછી દેશમાં મહિલાઓ પર દુષ્કર્મ જેવી ઘટનાઓને લઈને કાયદો બદલવામાં આવ્યો અને સમાજમાં પણ બદલાવ જોવા મળ્યો.
કાયદો બન્યો કડક: નિર્ભયાની ઘટના બાદ સમગ્ર દેશમાં દુષ્કર્મી સામે કાયદાને કડક બનાવવાની માગણીએ જોર પકડ્યું હતું. આ જઘન્ય કાંડના ત્રણ મહિનામાં મહિલાઓના દુષ્કર્મ અને જાતીય સતામણી સંબંધિત કાયદાઓની સમીક્ષા કરવામાં આવી હતી. અને તેમાં ફેરફાર કરીને તેમને કડક બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં નિર્ભયા કાંડ બાદ ઉભા થયેલ આંદોલનને કારણે કાયદો બદલાયો તો ઘણી જગ્યાએ મહિલાઓ અને પીડિતોને તેનો લાભ મળે છે.
સગીર આરોપીઓ પર ફટકાર: નિર્ભયા કાંડમાં શામેલ એક દોષિત ઘટના સમયે સગીર હતો. તેથી તે મૃત્યુદંડથી બચી ગયો. આખા દેશને હચમચાવી નાખનાર આ જઘન્ય દુષ્કર્મ કેસ પછી, 16 થી 18 વર્ષની વયજૂથના ગુનેગારોને પુખ્ત અપરાધી ગણીને તેમને સજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્ભયા કાંડમાં શામેલ સગીર આરોપીને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ત્રણ વર્ષથી વધુની સજા થઈ શકતી નહતી. આ પછી એવી ચર્ચા છેડાઈ કે આટલી ભયાનક ઘટનામાં સંડોવાયેલ દુષ્કર્મી માત્ર ત્રણ વર્ષમાં કેવી રીતે છોડવામાં આવી શકે છે. ત્યારે કેન્દ્ર સરકારે આવા ગુનાઓમાં સંડોવાયેલા સગીરોને પુખ્તોની જેમ ગણવા અને તેમને સજા આપવા માટે એક મહત્વપૂર્ણ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. તે બિલ સંસદમાં પાસ કરી દેવામાં આવ્યું હતું.
નિર્ભયા ફંડની સ્થાપના: નિર્ભયા કાંડ બાદ કેન્દ્ર સરકારે નિર્ભયા ફંડની સ્થાપના કરી હતી. નિર્ભયા ફંડમાં સરકારે 1000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. આ ભંડોળ દુષ્કર્મી પીડિતો અને બચી ગયેલા લોકો માટે રાહત અને પુનર્વસનની યોજના માટે બનાવવામાં આવ્યું હતું. આમાં એવી જોગવાઈ છે કે દરેક રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને દુષ્કર્મી સહિતના ગુનાનો ભોગ બનેલી મહિલાઓને વળતરના હેતુ માટે ભંડોળ પૂરું પાડશે. અત્યાર સુધીમાં 20 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોએ પીડિત વળતર યોજના લાગુ કરી દીધી છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દુષ્કર્મ પીડિતા અને મુશ્કેલ સંજોગોમાં જીવતી મહિલાઓના પુનર્વસન માટે સ્વાધાર અને અલ્પાવાસ ગૃહ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી હતી. આ ફંડમાંથી મહિલાઓની સુરક્ષા માટે ઘણી વ્યવસ્થા કરવાની જોગવાઈ છે. ઉદાહરણ તરીકે, પોલીસને CCTV અથવા પેટ્રોલિંગ વાહનો જેવા સંસાધનો પ્રદાન કરવા વગેરે.
પીડિતોને મળી હિંમત: ઘણીવાર દુષ્કર્મ કે જાતીય હુમલાના કેસમાં પીડિતા અને તેના પરિવારની ઓળખ છુપાવવામાં આવે છે. પરંતુ નિર્ભયા કાંડ કદાચ દેશમાં આ પ્રકારનો આવો પ્રથમ કેસ હતો. જેમાં પીડિતાના પરિવારે જાતે આગળ આવીને લોકોને હાકલ કરી હતી કે પોતાની ઓળખ છુપાવવાને બદલે દુષ્કર્મનો ભોગ બનેલી કે યૌન શોષણનો ભોગ બનેલી યુવતીઓ આગળ આવીને ગુનેગારોનો પર્દાફાશ કરે. આ પછી કોર્ટનું પણ વાતાવરણ બદલાઈ ગયું. દુષ્કર્મ પીડિતો પ્રત્યે સંવેદનશીલતા વધી ગઈ. નિર્ભયાના સંબંધીઓએ કહ્યું કે આવા કિસ્સાઓમાં પીડિતો માટે અવાજ ઉઠાવવો જોઈએ. તે પીડિતો માટે નહીં પણ ગુનેગારો માટે શરમજનક વાત છે.