નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના તાજા નિવેદનથી પાર્ટી અને કેન્દ્ર સરકારની મજાક બની શકે છે. ગડકરીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ કેમ જનતાને મોટા મોટા વાયદાઓ કર્યાં હતા.
ગડકરીના જણાવ્યા મુજબ, “અમે તે વાતમાં પૂરી રીતે આશ્વસ્ત હતા કે અમે ક્યારેય પણ સત્તામાં નહીં આવીએ, એટલે જ અમને મોટા મોટા વાયદાઓ કરવાની સલાહ આપવામાં આવી હતી. હવે જ્યારે અમે સત્તામાં છીએ તો જનતા અમને તે વાયદાઓ યાદ કરાવે છે. જો કે હવે અમે આ અંગે હસીને આગળ વધી જઈએ છીએ.” ગડકરીએ આ પ્રકારનું નિવેદન એક મરાઠી ટીવી ચેનલને આપેલાં ઈન્ટરવ્યૂ દરમિયાન કરી હતી.
કોંગ્રેસે કર્યાં પ્રહાર
ઈન્ટરવ્યૂ વાયરલ થતાં જ કોંગ્રેસે પણ આ વીડિયોની ક્લિપ ટ્વિટર પર શેર કરી છે અને કહ્યું કે ગડકરીએ સાબિત કરી દીધું કે ભાજપ જુમલાઓ અને ખોટાં વાયદાઓના જોરે જ ચૂંટણી જીતી સત્તામાં આવી હતી.
રાહુલે કર્યું ટ્વીટ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગડકરીના આ વીડિયોને ટ્વીટ કરી કહ્યું કે, “સાચું જ કહ્યું છે, જનતા પણ એવું જ વિચારતી હતી કે સરકારે લોકોના સપનાં અને તેમના વિશ્વાસને પોતાના લોભના શિકાર બનાવ્યાં છે.”
ગડકરીના આ પ્રકારના નિવેદનથી પ્રમુખ વિપક્ષી પાર્ટી કોગ્રેસ અને બીજા વિપક્ષી દળોએ ભાજપને ઘરેવાની તક મળી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ચૂંટણી રેલીઓમાં રાફેલ ડીલ, નોટબંધી, GST ઉપરાંત રોજગાર અને બ્લેક મનીને લઈને વાયદાઓ પર સરકારને ઘેરી રહ્યાં છે.